સરકારનો મોટો નિર્ણય, વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાશે
સમગ્ર રાજ્યમાં માલધારી સમાજની માંગ અને પ્રદર્શનની ચીમકી જોતા રાજ્ય સરકારે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પરત ખેંચવાની વાત કહી છે. રાજ્યમાં યોજાનારા વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત ખેંચવામાં આવશે.
બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ રાજ્યભરમાં માલધારી સમાજના વિરોધને જોતા રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે રાજ્યની વિધાનસભામાં 1 એપ્રિલના રોજ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી રાજ્યમાં આ કાયદાનો અમલ થયો નથી.
માલધારી સમાજની માંગ સરકારે સ્વીકારી
રાજ્યભરના માલધારી સમાજ દ્વારા આ કાયદાને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી. માલધારી સમાજે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં રખડતાં ઢોર નિયંત્રણ અંકુશ કાયદો પરત લેવામાં આવશે. નોંધનીય છે કે બે દિવસ પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ કાયદો પરત લેવાના સંકેત આપ્યા હતા.
કાયદાનો અમલ મોકૂફ રખાયો હતો
રાજ્ય સરકારે જ્યારથી આ કાયદો લાવવાની જાહેરાત કરી હતી ત્યારથી માલધારી સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત વિધાનસભામાંથી આ વિધેયક પસાર થયા બાદ તેનો અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે તે સમયે પણ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પણ મુખ્યમંત્રીને કાયદાને મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગર આંદોલન છાવણીમાં ફેરવાયું, વિરોધની આગને કેવી રીતે ઠારશે સરકાર?
શું હતી બિલમાં જોગવાઈ
- શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે
- લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે
- કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
- શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
- પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
- ઢોર પકડ પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ
- પાલિકા હસ્તકના ઢોરવાડાનાં ઢોર જાહેરમાં મળશે તો માલિક અથવા મેનેજરને ઢોરદીઠ 50 હજારનો દંડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube