કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન: સુરેન્દ્રનગરના મેથાણ ગામે એક સાથે પાંચ જિંદગીઓ ડૂબી
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં આજે બપોરના સમયે તળાવડીમાં એક સાથે પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા.
મયુર સંધિ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના મેથાણ ગામે આવેલા તળાવમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં ચાર બાળકી સહિત પાંચ બાળકો ડૂબી જતાં તેમના કરૂણ મોત નિપજ્યા હતા. બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી ધાગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ગોઝારી ઘટનામાં એક સાથે પર-પ્રાંતીય 5 બાળકોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ધાગધ્રા ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. DYSP સહિતનો કાફલો પણ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. રાજકોટ પી.એમ માટે બાળકોના મૃતદેહોને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં આજે બપોરના સમયે તળાવડીમાં એક સાથે પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ બાળકો ગુમ થયા હતા. પરંતું એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરતા એક બાળકનો મૃતદેહ પાણીમાં દેખાયો હતો, ત્યારબાદ તળાવમાં વધુ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક એક કરીને પાંચ પર પ્રાંતિય બાળકોની લાશો મળી આવી હતી. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે.
આ ઘટનાને પગલે સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી, જેથી પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. તળાવમાંથી લોકોએ પાંચેય બાળકોની લાશોને એક પછી એક બહાર કાઢતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.
મૃતકોના નામ
- પ્રિયંકા પારસીંગભાઈ (ઉ.વ.5)
- દિનકી પારસીંગભાઈ ( ઉ.વ.7)
- અલ્કેશ પારસીંગભાઈ (ઉ.વ.10)
- લક્ષ્મી પ્રતાપભાઈ (ઉ.વ.9)
- સંજલા પ્રતાપભાઈ (ઉ.વ.7)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube