ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાથી લઈ જોડ તોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડ તોડનો અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. આ બન્ને ભાજપમાં જોડાય તેવી અટકળો છે ત્યાં વધુ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો પણ તૈયાર કરી લેવાયો હોવાની ચર્ચા છે. શુક્રવારે પેટલાદની મુલાકાતે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી. જે મુલાકાત બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો વધુ તેજ થઈ ગઈ છે. ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામુ આપ્યું હતું. 


કોણ છે નિરંજન પટેલ?
નિરંજન પટેલ કોણ છે તેના વિશે જાણીએ તો નિરંજન પટેલ 6 વખત પેટલાદના ધારાસભ્ય રહ્યા. વર્ષ 1990, 1995, 1998માં ધારાસભ્ય બન્યા, 2002ની ચૂંટણીમાં પરાજય થયો, 2007,2012 અને 2017માં જીતની હેટ્રિક મારી, મધ્ય ગુજરાતમાં મોટો પાટીદાર ચહેરો, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકીટ ન આપતાં રાજીનામું આપ્યું, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે પેટલાદ બેઠક ગુમાવી, પેટલાદ બેઠક પર નિરંજન પટેલનું મોટું વર્ચસ્વ છે. નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો છે પરંતુ નિરંજન પટેલ આ મામલે ખુલ્લીને કંઈ બોલાવા તૈયાર નથી. 


ચિરાગ પટેલ બાદ કોંગ્રેસને વધુ એક ફટકો
ગુજરાતમાં વિપક્ષને બે મોટા ફટકા પડ્યા છે. પહેલા આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિસાવદરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું...ત્યારબાદ કોંગ્રેસની ટિકિટ પર ખંભાતથી જીતેલા ચિરાગ પટેલે રાજીનામું આપ્યું. જો નિરંજન પટેલ ભાજપમાં આવી જાય તો મધ્ય ગુજરાતમાં ચિરાગ પટેલ બાદ કોંગ્રેસને વધુ એક ફટકો પડશે.