શિક્ષણ જગતમાં પહેલી વખત યોજાયો કાર્યક્રમ, અનોખા રમતોત્સવમાં 153 બાળકોએ લીધો ભાગ
અમદાવાદ મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટે ખાસ પહેલ કરી છે. આ પહેલ હેઠળ ભીખ માંગતા બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 153 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
સપના શર્મા, અમદાવાદઃ તમે રસ્તા પર જાઓ તો ઘણા બાળકો ભીખ માંગતા જોવા મળી જાય છે. ખાસ મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર આવા બાળકો વધારે જોવા મળે છે. ઘણી સંસ્થાઓ છે જે આવા બાળકો માટે કામ કરે છે. પરંતુ જોઈએ તેટલી સફળતા નથી મળી. ત્યારે ગુજરાતના શિક્ષણ જગતમાં પહેલીવાર આવા બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. કેવો હતો આ ખાસ સ્પોર્ટ્સ ડે?, કેવો હતો બાળકોનો ઉત્સાહ?...જુઓ આ અહેવાલમાં...
સ્પોર્ટ્સ ડ્રેસમાં સજ્જ આ બાળકોને જુઓ...આ બાળકોને જોઈ તમને લાગશે કે કોઈ શાળામાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અને તેમાં ભાગ લેવા સ્કૂલના વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. છે તો આ રમતોત્સવ જ...પરંતુ જે ખેલાડીઓ જોવા મળી રહ્યા છે તે ખાસ છે. કારણ કે આ બાળકો રસ્તા પર ભીખ માંગતા ઘણીવાર નજરે પડ્યા છે. પરંતુ પહેલી વખત તેઓ આ પ્રકારનો ડ્રેસ પહેરી રમતના મેદાનમાં ઉતર્યા છે.
આ એવા બાળકો છે જેમના સપના તો મોટા હોય છે. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ક્યારેય તેઓ સપના સાકાર કરી શક્તા નથી. રસ્તા પર ભીખ માંગીને જ પોતાનું બાળપણ વિતાવી દે છે. પરંતુ પહેલી વખત ગુજરાતના શિક્ષણ જગતમાં આ ઘટના બની છે કે ભીખ માંગતા બાળકોને મેદાન પર લાવવામાં આવ્યા. બાળકોએ જ્યારે પહેલી વખત રમત ગમત માટેનો ખાસ ડ્રેસ પહેર્યો તો તેમના ચહેરા પર જે આનંદ હતો તે જોઈ શકાય તેવો હતો.
આ પણ વાંચોઃ ભાજપનો ઉમેદવાર વ્હાલો પણ કોંગ્રેસના પાટીદાર નેતાને સમાજ આપતો નથી સાથ
અમદાવાદ મ્યુનિસિપિલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટે ખાસ પહેલ કરીને ભીખ માંગતા બાળકોના જીવનમાં નવો ઊજાસ પાથરવાનું કામ કર્યું છે. બન્ને સંસ્થાઓની પહેલને કારણે સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા 153 બાળકોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો. અને પોતની અંદર જે શક્તિ છૂપાયેલી છે તેને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં હાઈકોર્ટના ચીફ જસ્ટીસથી લઈ અલગ અલગ જસ્ટીસ અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભીખ માંગતા બાળકો માટે અનેક સંસ્થાઓ કામ કરે છે. પરંતુ આ કામમાં હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી. કારણ કે અનેક પ્રયાસો છતાં પણ રસ્તા પર ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર બાળકો ભીખ માંગતા જોવા મળી જાય છે. આવા બાળકોને પણ ભીખ તો નથી માંગવું. પરંતુ પોતાના પરિવારની મજબૂરીને કારણે તેમને આ કામ કરવું પડે છે. ત્યારે સરકારે આ મામલે હજુ વધારે કામ કરવું પડશે.