દિવ્યેશ જોશી, રાજકોટઃ રાજકોટમાં રસ્તા પર એકલા પસાર થઈ રહેલા લોકોને નિશાન બનાવી લૂંટી લેનાર ગેંગ આખરે પોલીસની પકડમાં આવી ગઈ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં એકલ-દોકલ શ્રમિકને આંતરી છરી બતાવી રોકડ તેમજ મોબાઇલ લૂંટીને હાહાકાર મચાવી દેનાર રિક્ષાચાલક લૂંટારુ અને તેની ગેંગમાં સામેલ એક બાળ સહિત ચારને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટોળકીએ છેલ્લા 20 દિવસમાં રાજકોટ, શાપર વેરાવળ, રીબડા અને મોરબી, વાંકાનેરમાં 22 લૂંટની કબૂલાત આપી હતી. મોટાભાગે પરપ્રાંતિયોને જ શિકાર બનાવતી આ ટોળકી મોબાઇલ અને મામૂલી રકમ લૂંટી લેતા હોવાથી કોઇ ફરિયાદ કરવા આગળ આવતું ન હતું. આથી આ લૂંટારાઓની હિંમત વધી હતી અને એક બાદ એક 22 જેટલી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 


આ પણ વાંચો- મોરબી નગર પાલિકા સુપરસીડ કરાઈ, અધિક નિવાસી કલેકટરને વહીવટદાર બનાવાયા


એક સપ્તાહ પૂર્વે વતન જઇ રહેલા બે પરપ્રાંતિય મજૂરને છરીના ઘા મારીને કરેલી લૂંટ તેમજ મહિકા ગામના પાટીયા પાસે એક શ્રમિકને છરી બતાવીને મોબાઇલ, રોકડની કરેલી લૂંટ અંગે શહેર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે બાતમીના આધારે લૂંટારુ ગેંગને ઝડપી પાડી છે. લૂંટમાં લોધિકાના પારડી ગામના દર્શન ઉર્ફે ભૂદેવ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.19), રાજકોટમાં હુડકો પાછળ નાળોદાનગરમાં રહેતા મયુર રવજીભાઇ ડાભી (ઉ.વ.19) અને વેલનાથપરા, ખોખળદડ નદી પુલ નીચે રહેતા બીપીન પોપટભાઇ સોલંકી (ઉ.વ.20) તથા એક બાળ તહોમતદારની સંડોવણી હોવાની ક્રાઇમ બ્રાંચને સચોટ બાતમી મળી હતી


બાતમી આધારે વોચ ગોઠવીને સગીર આરોપી સહિત ચારેય આરોપીને ગોંડલ-અમદાવાદ હાઇ-વે પર કે.પી. ઇન્ડસ્ટ્રિઝ ઝોન જવાના રસ્તા પરથી રિક્ષા સાથે અટકાયતમાં લઇ લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી બે છરી અને લૂંટમાં ગયેલો અમુક મુદ્દામાલ મળી આવ્યો હતો.


આ પણ વાંચોઃ ગુજરાતના અનેક જિલ્લામાં ફરી કોરોનાનો પગ પેસારો, એક દિવસમાં નવા કેસમાં મોટો વધારો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube