ગુજરાતના ફેમસ હિલસ્ટેશન સાપુતારામાં ગંભીર અકસ્માત, અફરાતફરીનો માહોલ સર્જાયો
આ અકસ્માતમાં રોપ-વે કેબિનના વોચમેન સહિત રોપ-વેના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 દ્વારા વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ડાંગ: ગુજરાતના ફેમસ હિલસ્ટેશન ગણાતાં સાપુતારામાં પ્રવાસીની મીની ટેમ્પો ટ્રાવેલર રોપ-વે કેબિનમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓ સનસેટ નિહાળીને નીચે ઉતરતા હતા તે વેળાએ વાહન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ મીની ટેમ્પો ટ્રાવેલર રોપ-વેના કેબિનમાં ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે.
આ ઘટનામાં મીની ટેમ્પો ટ્રાવેલરમાં મહારાષ્ટ્રના પ્રવાસીઓ હતાં. મહારાષ્ટ્રથી આ પ્રવાસીઓ ફરવા આવ્યા હતા. આ અકસ્માતમાં રોપ-વે કેબિનના વોચમેન સહિત રોપ-વેના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 દ્વારા વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રોપ-વે કેબીનના બંને કર્મચારીઓમાં એકને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે એકના બંને પગ ફેકચર થતાં સ્થળ પર અફરાતફરી મચી હતી. અન્ય પ્રવાસીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે.