કચ્છ: સફેદ રણમાં યોજાતા રણોત્સવમાં કોરોનાકાળ બાદ ફરી રોનક જોવા મળી રહી છે. આમ તો રણોત્સવમાં ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવેલા પ્રવાસીઓને ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલ ગેમઝોનનો લાભ મળતો હોય છે. પરંતુ આ વર્ષેથી અન્ય પ્રવાસીઓ પણ ગેમ ઝોનનો ફાયદો લઈ શકે અને બાળકો ગેમની મજા માણી શકે તે માટે ગુજરાત પ્રવાસન દ્વારા એક ખાસ ગેમ ઝોન પણ આ વર્ષે શરૂ કરવામાં આવ્યો છે. ટેન્ટ સિટીમાં ચાલતા ગેમ ઝોન ઉપરાંત આ નવા શરૂ કરાયેલા ગેમ ઝોન થકી માત્ર સફેદ રણ જોવા આવતા લોકો પણ હવે અહીં પોતાના મનોરંજન માટે વિવિધ ગેમ્સ રમી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છનું સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો 26મી ઓકટોબરથી શરૂ થયેલા રણોત્સવ દરમિયાન અહીં ઊભી કરાતી ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરી હજારો પ્રવાસીઓ દર વર્ષે આ સફેદ રણનું અનુભવ લેતા હોય છે. તો ખાનગી કંપની દ્વારા સંચાલિત ટેન્ટ સિટીમાં ટેન્ટના ભાડા સૌને પરવડે તેવા ન હોતાં. લાખો લોકો રણોત્સવ દરમિયાન ફક્ત સફેદ રણની મુલાકાત લઈ અહીં ઉભા કરવામાં આવતા આકર્ષણોની મજા માણતા હોય છે.


રણોત્સવ ખાતે ઊભી કરાયેલી ટેન્ટ સિટીમાં દર વર્ષે બાળકો તેમજ યુવાનો માટે વિવિધ એડવેન્ચર એક્ટીવિટીઝ ઊભી કરવામાં આવે છે. તો ટેન્ટ સિટી સિવાય ફક્ત સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓને પણ મનોરંજન પૂરું પાડવા ગુજરાત ટુરિઝમ દ્વારા ખાસ ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યું છે. સફેદ રણમાં ઊભા કરાયેલા બે ડોમમાં 15થી વધારે ગેમ્સ શરૂ કરવામાં આવી છે.


પ્રથમ ડોમમાં ફાઇટિંગ, ક્રિકેટ, ટેનિસ, કાર રેસિંગ, બાઇક રેસિંગ,આર્ટ એક્ટિવિટી જ્યારે બીજા ડોમમાં ફ્લેમિંગો, સેલ્ફી પોઈન્ટ, લુડો, ચેસ, મિરર હાઉસ, ગન ગેમ, ઇન્ડો-પાક વોર, ભૂલભુલૈયાની સાથે ડાન્સિંગના આકર્ષણો પણ શરૂ કરાયા છે. તો સાથે જ આ વર્ષે પ્રવાસીઓ સફેદ રણમાં હોટ એર બલૂનની પણ સફર કરી શકશે. તે માટેની પરવાનગી અપાય બાદ હાલ તેનો ટ્રાયલ ચાલુ હોતાં ટુંક સમયમાં પણ તે શરૂ કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં જ 31 હજારથી વધારે પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધા બાદ આ ડિસેમ્બર મહિનામાં આવતા નાતાલ અને ન્યુ યર જેવા તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો ખૂબ વધવાનો છે. ત્યારે આ પ્રવાસીઓ માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. તો ક્રિસમસ દરમિયાન ખાસ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. ત્યારે કચ્છના આઇના મહેલ અને માંડવી બીચના લાઈવ વ્યુ નમૂના પણ મૂકવામાં આવશે.


ચિલ્ડ્રન પાર્કમાં ગેમની મજા માણવા ઉમટેલા વિદ્યાર્થી શ્રેયોત અને ઇન્દી એ Zee Media સાથે તેમનો અનુભવ વર્ણવ્યો હતો અને જણાવ્યું હતું કે રણોત્સવમાં ગેમ ઝોનમાં વિવિધ ગેમ્સ રમીને તેમને ખૂબ આનંદ થયો સાથે જ માટીકામ, વણાટકામ અને toys making માં પણ તેમને મજા આવી અને આનાથી કચ્છને પ્રવાસનમાં ફાયદો થશે તેવું જણાવ્યું હતું.