AMC આરોગ્ય વિભાગની ટીમના દરોડા, 100 કિલો સડેલા બટાકાનો કર્યો નાશ
અંદાજે 100 કિલો અખાદ્ય બટાકાનો જથ્થો અધિકારીઓ દ્વારા નાશ કરાયો. આ ઉપરાંત પકોડી તળવા માટેનું તેલ અને ચણાના સેમ્પલ લઈ તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
અમદાવાદ: એક તરફ અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યોં છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ ટીમ બનાવી પકોડી બનાવી વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં. શહેરના વાસણા નજીક ગુપ્તાનગર વિસ્તારમાં પકોડીના બનાવનારાઓને ત્યાં સડેલા બટાકાનો જથ્થો મળી આવ્યા. અંદાજે 100 કિલો અખાદ્ય બટાકાનો જથ્થો અધિકારીઓ દ્વારા નાશ કરાયો. આ ઉપરાંત પકોડી તળવા માટેનું તેલ અને ચણાના સેમ્પલ લઈ તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, શહેરમાં રોગચાળાની સ્થિતિને પગલે થોડા દિવસ અગાઉ જ ઝી 24 કલાક દ્વારા પકોડી બનાવનારાઓને ત્યાં રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. હાલ રોગચાળો વકરી રહ્યોં છે જેને ડામવા હવે કોર્પોરેશને પકોડી બનાવનારાઓ પર તવાઈ બોલાવી છે.