એકના ચાર ગણાની લાલચ, તાંત્રિક વિધિ અને લોકોને પીવડાવી દેતો ખતરનાક પીણું, શાતિર ભૂવો ઝડપાયો
અમદાવાદમાં એક ખતરનાક ભૂવાની પોલીસે ધરપકડ કરી છે. આ ભૂવો તાંત્રિક વિધિ દ્વારા એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યારબાદ તે વ્યક્તિને એક એવું પીણું પીવડાવી દેતો જેથી તેનું મોત થઈ જાય.
ઉદય રંજન, અમદાવાદ: તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી થવાની ઘટનાઓ સતત બનતી રહે છે. અમદાવાદમાં વધુ એક આવી ઘટના બની છે. જ્યાં ભૂવાએ તાંત્રિક વિધિ કરી રૂપિયા પડાવી લીધા છે. ભૂવાએ એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આરોપી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લીધા બાદ પીણું પીવડાવી દેતો હતો.
સરખેજ પોલીસની ગિરફ્ત આવેલા આ આરોપીનું નામ નવલસિંહ ચાવડા છે. જે મૂળ વઢવાણનો રહેવાસી તાંત્રિક નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદ શહેરનાં વેજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રેવા માટે આવ્યો છે. આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડા પોતે મેલડી માતાનો ભૂવો અને તાંત્રિક વિધિ જાણતો હોવાનું લોકોને જણાવતો હતો. તાંત્રિક વિધિ કરીને એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો. આરોપીએ આજ રીતે અભી નામના એક યુવકને પોતાના વિશ્વાસમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી એક ના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા બાદ તેને તાંત્રિક વિધિના નામે પાણી કે આલ્કોહોલમાં કોઈ પદાર્થ પીવડાવી રૂપિયા પડાવી લેવાની ફિરાકમાં છે. જો કે બનાવ બને તે પહેલા જ પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી લીધો છે.
આ પણ વાંચોઃ ઘરના ઘરનું સપનું રહી જશે અધુરૂ, અમદાવાદમાં 40 ટકા સુધી વધી જશે મકાનોની કિંમત, જાણો
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે 1લી ડિસેમ્બર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અભિને પૈસા લઈને સનાથલ સર્કલ પાસે બોલાવવાનો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાના હેઠળ તેને પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવ્યા બાદ અડધો કલાકમાં ચાર ઘણા રૂપિયા લઈ જવા માટેનું કહેવાનો હતો. આ સમયગાળા દરમિયાન સોડિયમ નાઇટ્રેટ પીવાથી 20 થી 30 મિનિટમાં તેનું મોત કે હાર્ટ એટેકથી મૃત્યુ થાય અને તે રૂપિયા લઈને ફરાર થઈ જાય. આરોપી પાસેથી પોલીસે સોડિયમ નાઈટ્રેટનો પાવડર પણ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર માંથી એક લેબ માંથી ખરીદ્યો હોવાનું જણાવ્યું છે.
આરોપીએ પોતે એક યુ ટ્યુબ ચેનલ પણ શરૂ કરી હતી જેમાં અને વીડિયો પણ અપલોડ કર્યા છે, કે જેના થકી તે લોકોને વિશ્વાસમાં લઈ શકે. પોલીસને આશંકા છે કે આરોપીએ આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો સાથે પણ આ રીતે છેતરપિંડી કરી છે મોત ન ઘાટ પણ ઉતાર્યા હોય શકે છે . જો કે આ પ્રકારનો વિચાર તેને કેવી રીતે આવ્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી મોટા ભાગે ક્રાઈમ પેટ્રોલ જેવી સિરિયલો પણ જોતો હતો. હાલ માં પોલીસ એ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.