ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં ખોટા ઓપરેશન કરી લોકોની હત્યા કરી દેનાર ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી ચોંકાવનારા ખુલાસા પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના વધુ પાંચ આરોપીઓની આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ આરોપીઓ આણંદ પાસે એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા. પોલીસે જેને ગઈકાલે ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલનો સમાવેશ થાય છે. પાંચેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આપી મહત્વની જાણકારી
ક્રાઈમ બ્રાન્ચે આ અંગે માહિતી આપતા કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કુલ આઠ લોકો આરોપી જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી પહેલા ડોક્ટર વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ કેસમાં વધુ પાંચ આરોપીઓ ઝડપાયા છે. એટલે કુલ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે ચિરાગ રાજપૂત મુખ્ય આરોપી છે. તેની સામે અગાઉ છેતરપિંડીની ફરિયાદ થયેલી છે. ચિરાગ ખ્યાતી પહેલા સાલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. અત્યારે ચિરાગનો મહિનાનો પગાર 7 લાખ રૂપિયા છે.



પોલીસે કહ્યું કે આ કૌભાંડમાં રાહુલ જૈન બીજો મુખ્ય આરોપી છે. રાહુલ પૈસાની હેરફેર કરતો અને કમીશન આપતો હતો. રાહુલ જૈન પણ સાલમાં કામ કરી ચૂક્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે ચિરાગે આ માટે એક ટીમ બનાવી હતી. શેરબજારમાં નુકસાન જતા મિલિંદ પટેલ પણ તેની સાથે જોડાયેલા હતા. આ લોકો PMJAY માં ઈમરજન્સીમાં એન્ટ્રી કરી ક્લેમ મેળવતા હતા. 


ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે આ આરોપીઓ અન્ય ડોક્ટરોને પણ દર્દીઓ મોકલવાનું કહેતા હતા. તે બદલામાં કમીશન ઓફર કરતા હતા. પોલીસે કહ્યું કે કાર્તિક પટેલ વિદેશમાં છે. જ્યારે રાજશ્રી ટૂંક સમયમાં ઝડપાઈ જશે. પોલીસે કહ્યું કે રાજેશ જૈન ઉદયપુરથી ઝડપાયો છે, જ્યારે બાકીના આરોપીઓ ખેડા પાસે ફાર્મમાં હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે જે ગામડામાં કેમ્પ થતો તેના સરપંચને પણ કમીશન આપવામાં આવતું હતું.


આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા લેવા કૌભાંડ રચ્યાનો આરોપ
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. પરંતું આ તમામમાંથી કોઈપણ જાણ વિના 19 જણા ની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતી. મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયા હોવાનું દર્દીઓના સગાઓનું કહેવું છે. ગામના લોકોનો આક્ષેપ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમને મારી નાંખ્યા.