ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં અજાણ્યા મુસાફરોને રિક્ષાવાળા અને ટેક્સીવાળા છેતરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાત ફરવા આવેલા એક ટુરિસ્ટ સાથે અમદાવાદના રિક્ષાચાલકે દાદાગીરી કરી સાડાપાંચ કિલોમીટરની મુસાફરીના 647 રૂપિયા ભાડું વસૂલીને ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આવેલા એક ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં કડવો અનુભવ થતાં તેમણે ટવીટર પર રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને પોતાનો કડવો અનુભવ શેર કર્યો હતો. જેથી આ મામલે ગૃહમંત્રીએ પ્રવાસીને માફી માંગી છે અને આ બાબતે તપાસ હાથ ધરશે તેવી ખાતરી આપી છે.


શું બની હતી સમગ્ર ઘટના?
18 એપ્રિલના રોજ દિપાન્સુ સેંગર નામના એક પ્રવાસીએ ટ્વીટ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં દરરોજ ટુરિસ્ટને લૂંટવામાં આવે છે. મેં અમદાવાદમાં એક ઓટો રીક્ષા ભાડે કરી હતી, આ રીક્ષા ચાલકે મારી પાસેથી 5.5 કિ.મી.નો ચાર્જ 647 રૂપિયા વસુલ્યો હતો અને એ રકમ ચૂકવવા માટે મને ધમકી પણ આપવામાં આવી હતી. મેં CTMથી ગીતા મંદિર સુધીની રીક્ષા કરી હતી અને રીક્ષા ચાલકે 647 રૂપિયા ચાર્જ વસૂલ્યો હતો. 



આ રીક્ષાચાલકનું નામ કદાચ રહેાન હતું. ત્યારબાદ મેં પોલીસ હેલ્પ લાઈન નંબર પર પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આ ઓટો રીક્ષાચાલકે મને ધમકી આપી હતી, જેના કારણે મેં 600 રૂપિયા ચૂકવી દીધા હતા. મેં આ રીક્ષાની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. દિપાન્સુ સેંગરે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું અને થોડાક જ સમયમાં ટવીટ વાયરલ થઈ હતી. 


હર્ષ સંઘવીએ માફી માંગી
દિપાન્સુની ટ્વીટને રિટ્વીટ કરીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નમ્રતા પૂર્વક માફી માંગીને જણાવ્યું છે કે, આભાર, આ વાત મારા ધ્યાને લાવવા બદલ. દિપાન્સુ સેંગર સૌપ્રથમ તો તમને જે અસુવિધા થઇ છે તે બદલ હું માફી માંગુ છું. હું વ્યક્તિગત રીતે આ બાબતે તપાસ હાથ ધરીશ. ગુજરાતમાં આવતા તમામ ટુરિસ્ટ મહેમાન છે. તમે ચિંતા ન કરો. ગુજરાતમાં તમારો સમય આનંદમાં પસાર કરો. હું વચન આપું છું કે જ્યારે તમે પરત ફરશો ત્યારે તમે સારી યાદો અને સંસ્મરણો લઇને જશો.