ઝી બ્યુરો/નવસારી: આદિવાસી ઘરોમાં અને ખાસ કરીને ગરીબોના ઘરે આજે પણ રસોઈ ચૂલા પર બને છે. પરંતુ ચૂલો સળગાવવા લાકડા અને લાકડા સળગાવવા પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. જેને કારણે ગૃહિણીઓના આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ખાનગી કંપનીના સહયોગથી ઓછા લાકડા, ધુમાડા અને ઝડપથી સળગતા થર્મલ આધારિત ચૂલા આપી આદિવાસી મહિલાઓને ધુમાડા કાઢતા દેશી ઘરેલુ ચૂલાથી મુક્તિ આપવાનો પ્રયાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, અહીંના ગામડાઓમાં આજે પણ રસોઈ બનાવવા કાચા ચૂલાનો મોટાપાયે ઉપયોગ થાય છે. જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ગામડાઓમાં આદિવાસી મહિલાઓ જંગલ વિસ્તારમાંથી લાકડા શોધી લાવે છે. પરંતુ ચૂલામાં લાકડા સળગાવવા મહિલાઓએ પ્લાસ્ટિકની કોથળીઓ પણ શોધવી પડે છે, કારણ પ્લાસ્ટિકના ઉપયોગ થકી લાકડા જલદી સળગે છે. પરંતુ ચૂલામાં પ્લાસ્ટિક સાથે સળગતા લાકડા ધુમાડો વધુ કરે છે અને તેના કારણે મહિલાઓને આંખમાં બળતરા થવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.


આદિવાસી મહિલાઓની આ રોજિંદી સમસ્યા જાણી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેના સમાધાનનો પ્રયાસ શોધ્યો ખાનગી કંપનીના થર્મલ આધારિત નિર્ધૂમ ચૂલામાં. કંપનીના સહયોગથી વાંસદાના તમામ ગામોમાં ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા આદિવાસી ગરીબ મહિલાઓને થર્મલ આધારિત ચૂલા વિના મૂલ્યે આપવમાં આવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ચૂલા આપવામાં આવ્યા છે. 


વાંસદાની આદિવાસી મહિલાઓએ જંગલમાંથી લાકડાં લાવવા મુશ્કેલી રૂપ હોય છે. ઝાડ કાપવા, એના લાકડા કરવા અને વજનવાળા લાકડા ઉંચકીને ઘર સુધી લાવવા પડે છે. જેમાં પણ ચૂલો સળગાવવા પ્લાસ્ટિક શોધવા પણ જવુ પડે છે. ત્યારે નીર્ધૂમ ચૂલામાં થર્મલ હોવાને કારણે મહિલાઓએ ફકત નાની નાની લાકડી, કરસાટીથી જ કામ ચાલી જાય છે. નાની લાકડી અને કાગળથી ચૂલો સળગી જાય છે અને થરમલને કારણે તરત જ હીટ પકડી લે છે અને ધુમાડા વગર ઓછા સમયમાં રસોઈ તૈયાર થાય છે. જેના કારણે મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે.


પરંપરાગત કાચા ચૂલામાં થતા ધુમાડાથી વાંસદાની આદિવાસી મહિલાઓને છુટકારો અપવવવાની ધારાસભ્યનો નાનો પ્રયાસ મહિલાની આંખોમાં ખુશી ચમકી રહી છે.