અલકેશ રાવ/બનાસકાંઠા: એક એવો શિક્ષક કે જેને પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા 1999 થી જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું. જોકે શિક્ષકે અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની બાળ વાર્તાઓ લખી લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોડાક્ષર વિનાની વાર્તાઓ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની 1 થી 5 ધોરણની સણવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ પંડ્યા નામના શિક્ષકે પોતાના શિક્ષક કાળ દરમિયાન 1999થી અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી દીધાં છે. મહત્ત્વની વાત એ છે કે ભાવેશભાઇની આ પ્રતિભાને જોઈ તેમને લિમ્કા, ગીનીઝ અને એશિયા બુક ઓફ રેકર્ડ સહિત અનેક સિદ્ધિઓ  હાંસલ કરી છે. ભાવેશ પંડ્યા પોતે સાબરકાંઠા જિલ્લાના મેઘરજના વતની છે અને તેઓ 1999મા ડીસાના સણવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા હતા. જોકે તે સમયે શાળામાં હાજર બાળકોને વાંચન કરતા આવડતું ન હતું. જેને લઇ શિક્ષક ભાવેશ પંડ્યાએ જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી બાળકોને વાંચન કરાવવાનું શરૂ કરી દીધું.



શિક્ષકની અનોખી રૂચી
જોકે શિક્ષકના આ અનોખા પ્રયોગના કારણે બાળકો આસાનીથી લખતાં વાંચતા થઈ ગયા છે. જેને લઈને વિધાર્થીઓ એકદમ સરળ રીતે અભ્યાસ કરતા થઈ જતા. શિક્ષકની મહેનત સોળે કળાયે ખીલી ઉઠી છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ ઉક્તિ આ શિક્ષકે સાર્થક કરી બતાવી છે. શિક્ષક ડો,ભાવેશ પંડ્યાને સૌપ્રથમ 800 જોડાક્ષર વગરની વાર્તાઓ અને 200 જોડાક્ષર વગરના ગીત લખવા માટે ઇન્ડિયન ઇન્સ્ટયુટ્યૂટ મેનેજમેન્ટ દ્વારા 2006માં સર રતનતાતા નેશનલ ઇનોવિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેને લઈને તેમની શાળામાં દેશ વિદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોના લોકોએ અને સંસ્થાઓ તેમની શાળાની મુલાકાત લીધી. જેને લઈને વર્ષ 2006થી અત્યાર સુધી શિક્ષક ડો. ભાવેશ પંડ્યાએ 3286 જોડાક્ષર વગરની વાર્તાઓ લખી અને 500 જોડાક્ષર વગરના ગીતો લખ્યા. 



વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ કાઉન્સિલ દ્વારા તેમને માનદ ડૉક્ટરેડની પદવી અપાઈ
આ ગીતો અને વાર્તાઓ લખવા માટે લિમ્કાબુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં તેમની વાર્તાઓ અને ગીતોની નોંધ લેવાઈ તે બાદ દુબઈની આગાખાન યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને વર્લ્ડ યુનિવર્સિટીના સંયુક્ત આયોજન બાદ બ્રિટન ખાતે ભાવેશ પંડ્યાનું ડૉક્ટરેટ તરીકેનું બહુમાન કરવામાં આવ્યું હતું. બાળકો સાથે સીધું કામ કરવાના કારણે શિક્ષક ભાવેશ પંડ્યાને ધોરણ 1થી 10ના વિવિધ વિષયોમાં પાઠય પુસ્તક લખવા માટે લેખક, કોઓડીનેટર અને કન્વીનર તરીકે કામ કરવાનો મોકો મળ્યો. 



બાલમંદિરથી ધોરણ 10 સુધીના પાઠયપુસ્તક લખવા માટે લેખક તરીકે તેમને બહુમાન મળ્યું છે, તો શિક્ષણ ક્ષેત્રે અનેક કામો કરવા બદલ તેમને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે સૃષ્ટિ સન્માન મળ્યું છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જીના હસ્તે બે વાર નેશનલ એવોર્ડ મળ્યા છે. આમ ત્રણ રાષ્ટ્રપતિઓના હાથે તેમને સન્માન મળતાં તેવો ગર્વ અનુભવી રહ્યા છે.


ભાવેશ પંડ્યાએ બાળકોને વાચતા કર્યા
તો બીજી તરફ ગામની શાળામાં બાળકો આવે અને તેમને સરળતાથી લખતા વાંચતા આવડે તે માટે શિક્ષક ભાવેશ પંડ્યા બાળકો માટે જોડાક્ષર વગરની વાર્તાઓ અને ગીતો દ્વારા તેમને અભ્યાસ કરાવી રહ્યા છે. જેથી બાળકો આસાનીથી લખતા વાંચતા શીખી ગયા છે. શિક્ષક ભાવેશ પંડ્યા સ્કૂલમાં બાળકોને નાચગાન કરીને ગમ્મત કરાવી શિક્ષણ આપતા હોવાથી બાળકો માટે તેમની સ્કૂલ હવે ગમતી શાળા બની ગઈ હોવાથી બાળકો રજા પાડ્યા વગર નિયમિત સ્કૂલમાં આવીને અભ્યાસ કરી રહ્યા છે. જેથી બાળકોના વાલીઓ પણ શિક્ષક ભાવેશ પંડ્યાના શિક્ષણ કાર્યને વખાણી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube