રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાની વુડા કચેરીમાં આર્કિટેક દ્વારા સરકારી મહિલા અધિકારીનો ઉઘડો લઇ જાહેરમાં અપશબ્દો બોલવા અંગેની ઘટના છેલ્લા સપ્તાહથી ચર્ચાના એરણે હતી. છેવટે હવે ઉપરી અધિકારીઓએ મહિલાને હિંમત આપતા મહિલા અધિકારીએ આર્કિટેક સામે કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતી 33 વર્ષીય મહિલા રુચિતાબેન શાહ જુનિયર નગર નિયોજક તરીકે વડોદરાના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી વુડાની ઑફિસમાં ફરજ બજાવે છે. તેઓ વિકાસ પરવાનગી, નગર યોજના ચાર્જ વસૂલવા બાબતે ચલાણ આપવા સહિતની કામગીરી કરે છે. જેમને આર્કિટેક અને એન્જીનિયર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ વિરુદ્ધ આખરે કારેલીબાગ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.


રુચિતાબેન શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ,આર્કિટેક કિરીટ અંબાલાલ પટેલ વિકાસ પરવાનગી મેળવી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના નકશા બનાવવાનું કામ કરે છે. તેમણે ભાયલી સર્વે નંબર 229, 230,238 વાળી જમીનમાં ડેવલોપમેન્ટ ચાર્જ વસૂલવા માટેની અરજી કરી છે. વર્ષ  2017 દરમિયાન મેળવેલી પરવાનગીનો નંબર નકશામાં રજૂ કર્યો હતો. જેથી અગાઉ મેળવેલી બાંધકામ પરવાનગી અંતર્ગત નિયમ અનુસાર ફી વસૂલવાની થાય તે અંગે કોઈ બાંધકામ ક્ષેત્રફળ કે જે પરથી ગણતરી થાય તેવી વિગતો રજૂ કરી ન હતી. અને તે અરજીમાં વિકાસ ચાર્જની રકમ દર્શાવી હોય આધાર પુરાવા માંગતા રજૂ કર્યાં હતાં. તેઓની પાસે આધાર પુરાવાની માંગણી કરતા ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો. 


આ પણ વાંચોઃ ઓનલાઇન શિક્ષણની આડ અસર, અનેક બાળકોની આંખોના નંબર વધી ગયા


નગર નિયોજક મહેશ સોલંકી તથા આઈ.એ.એસ. અધિકારી અશોકભાઈ પટેલ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ 07મી ફેબ્રુઆરીએ ફરી કિરીટભાઈ વુડાની ઓફિસ આવી પહોંચ્યા હતા. તે સમયે ફાઇલની માંગણી કરતા અમે જણાવ્યું હતું કે, ચકાસણી બાકી છે અડધો કલાક લાગશે. તેવું કહેતા આરોપી કિરીટ પટેલ અચાનક ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ,સરકારી કામકાજમાં રુકાવટ ઊભી કરી, ધમકી આપી હતી કે, ઓફિસમાં કેવી રીતે કામ કરે છે હું તને જોઈ લઈશ. જેના આધારે ઉપરી અધિકારીની મંજૂરી મેળવી કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


મહિલા અધિકારીએ વડોદરાના આર્કિટેક અને એન્જીનિયર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટ પટેલ સામે ફરિયાદ નોધાતા પોલીસ હરકતમાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે રુચિતાબેન શાહે બનાવ અંગેની જાણ ઉપરી અધિકારીને કરી હતી. તેઓએ ફરિયાદ અંગેની મંજૂરી આપી હતી. જેથી રુચિતાબેન શાહે કિરીટ પટેલ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરકારી કામમાં રુકાવટ અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ કિરીટ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા તપાસ કરી આરોપી આર્કિટેક કિરીટ પટેલની ધરપકડ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને 18 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે સજા, જાણો શહેરને રક્તરંજીત કરનાર ઘટનાની સમગ્ર કહાની


મહત્વની વાત છે કે થોડાક દિવસ પહેલા આર્કિટેક્ટ અને ક્રેડાઈના હોદ્દેદારોએ સાથે મળી શહેરમાં વિકાસના કામો થતાં નથી તેવા આક્ષેપો કર્યા છે, ત્યારે એવામાં મહિલા અધિકારીએ આર્કિટેક્ટ એસોસિયેશનના પ્રમુખ સામે જ ફરિયાદ નોધાવતા મામલો ગરમાયો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ ફરિયાદના ઘેરા પ્રત્યાઘાતો પડે તો નવાઈ નહિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube