મુસાફરો સાચવજો! તમારી આસપાસ જ બેઠા છે ચોર, ભાઈના લગ્ન માટે ટ્રેનમાં આવેલી બહેનના 7.70 લાખના દાગીના ગાયબ
Ahmedabad Police: અમદાવાદ આવેલી એક મહિલાએ 7.70 લાખના દાગીના ગુમાવ્યા છે પણ કોણ લઈ ગયું એ હવે સૌથી મોટો સવાલ છે. આ અંગેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તો આરંભી છે પણ આ કેસમાં રૂના ઢગલમાંથી સોય શોધવા જેવું કામ છે પણ હાલમાં આ મહિલા માથે આભ તૂટ્યું છે.
ઝી બ્યુરો/અમદાવાદ: રેલવે, બસ , રીક્ષા કે કોઈ પણ જાહેર ટ્રાન્સપોર્ટમાં કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કંઈ ખાવાનું ઓફર કરે તો પ્રેમથી ઈનકાર કરી દેવા મામલે પોલીસ તરફથી અનેકવાર સૂચનાઓ અપાય છે. કારણ કે પેસેન્જર તરીકે સાથે બેઠેલા વ્યક્તિ પર આજના જમાનામાં ભરોસો મૂકવો પણ અઘરો છે એવું નથી કે બધા જ સાથી મુસાફરો ખરાબ હોય છે પણ વિશ્વાસ કરવા જતાં ક્યારેક છેતરાવાનો વારો પણ આવે છે.
હાલમાં આ મહિલા માથે આભ તૂટ્યું
આવી જ એક ઘટનામાં ભાઈના લગ્ન માટે બેંગ્લોરથી અમદાવાદ આવેલી એક મહિલાએ 7.70 લાખના દાગીના ગુમાવ્યા છે પણ કોણ લઈ ગયું એ હવે સૌથી મોટો સવાલ છે. આ અંગેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તો આરંભી છે પણ આ કેસમાં રૂના ઢગલમાંથી સોય શોધવા જેવું કામ છે પણ હાલમાં આ મહિલા માથે આભ તૂટ્યું છે.
શ્વેતા ગોવર્ધન સેરખાનીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં મણીનગર પૂર્વમાં હરિપુરા સોસાયટીમાં રહેતા શ્વેતા ગોવર્ધન સેરખાનીએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ હાલમાં આઇ.ટી કંપનીમાં રિકુટર તરીકે બેગ્લોર ખાતે પ્રાઇવેટ નોકરી કરે છે. ગઇ તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ કલાક, ૨૨/૧૦ વાગ્યે ટ્રેન નં.૧૬૫૦૬ ટ્રેનમાં કોચ નં.બી/૦૬ સીટ નં.૧૭, ૨૦ ઉપર મારા પતિ નામે ગોવર્ધન બાબુરાવ નાઓની સાથે મારા ભાઈના તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ લગ્ન હોય અમદાવાદ આવવા માટે બેગ્લોર રેલ્વે સ્ટેશનથી રવાના થયા હતા. ભાઈના લગ્ન હોવાથી અમારી પાસે સામાનમાં બે સુટકેશ, બે થેલા, એક લેપટોપ બેગ, નાસ્તાનો એક થેલો હતો. આ અમારા બે સુટકેશ તથા બે થેલા અને નાસ્તાનો થેલો સીટ નીચે રાખેલ હતા અને લેપટોપબેગ હેન્ડલ ઉપર લગાવેલ હતી.
ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશને પહોચી...
અમે મુસાફરી કરતા તા.૦૯/૧૨/૨૩ ના રોજ લગભગ ૨૩/૦૦ વાગ્યાની આસપાસ અમારી સીટ ઉપર સુઇ ગયા હતા. ત્યાર બાદ તા.૧૦/૧૨/૨૦૨૩ ના રોજ હુબલી રેલ્વે સ્ટેશન આવેલ તે વખતે અમે જાગીને બેલગાવ રેલ્વે સ્ટેશને નાસ્તો કર્યો હતો. ત્યાર બાદ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ કલ્યાણ રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ અમે અમારી સીટ ઉપર સુઇ ગયા હતા. ત્યાર બાદ તા.૧૧/૧૨/૨૦૨૩ ના રોજે ચારેક વાગ્યાની આસપાસ અમે જાગી ગયેલા અને લગભગ ૦૬/૦૦ વાગ્યાની આસપાસ અમારી ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશને પહોચી હતી. જે સમયે અમે અમારા સામાન સાથે પ્લે.નં.૦૧ ઉપર ઉતર્યા હતા.
જવેલરી રાખવાનું લાઇટ ગોલ્ડન કલરનું બોક્ષ ગુમ
રેલવે સ્ટેશન પર મારો ભાઈ નામે નિમેષ શંકરભાઈ અમને લેવા માટે રેલ્વે સ્ટેશન ઉપર આવેલો હોય અમે તેમની ગાડીમાં બેસી મણીનગર અમારા ઘરે કલાક,૦૬/૩૦ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. ત્યારબાદ તૈયાર થઈને પોણા નવની આસપાસ સુટકેશમાં રાખેલો સામાન ચેક કરતા અમારી પહેરવાની સાડીઓ તથા એક નાનું પર્સ જેમાં ચાર સોનાની વિંટી તથા એક સોનાની લકી સાથેનું પર્સ હતું. આ સિવાય અમારુ જવેલરી રાખવાનું લાઇટ ગોલ્ડન કલરનું બોક્ષ જોવા મળ્યું ન હતું.
અમારા ઘરે પહોંચી સામાન ચેક કરતાં ભાંડો ફૂટ્યો
ભાઈના લગ્ન હોવાથી અમે દાગીના પણ સાથે લઈને આવ્યા હતા. આ દાગીનામાં સોનાનું મંગળ સુત્ર ૦૬ તોલા વજનનું કિ.રૂ.૨,૭૦,૦૦૦/- (બે લાખ સીત્તેર હજાર), એક સોનાનું નેક્લેસ ૦૩ વજનનું કિ.રૂ.૧,૩૫,૦૦૦/-(એક લાખ પાંત્રીસ હજાર) (૩) કાનની સોનાની બુટ્ટી આશરે 05 ગ્રામ વજનની કિ.રૂ.૨૨,00O જે તમામ ઘરેણા મારા લગ્ન વખતે મારી સાસરી તરફથી આપવામાં આવેલ હતા. આ સિવાય એક સોનાનું નેક્લેસ ૦૫ તોલાનુ કિ.રૂ.૩,૫૦,૦00/- (ત્રણ લાખ પચાસ હજાર) જે આસરે આઠ નવ મહિના પહેલા ખરીદ્યું હતું. જે જવેલરી બોક્ષ કુલ્લે કિ.રૂ.૭,૭૭,૦૦૦ નું અમારી બેંગ્લોરથી અમદાવાદ અમારા રહેણાકના ઘર સુધી પહોંચ્યા સમયમાં કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયા છે. આ મારૂ જવેલરી બોક્ષ કઇ જગ્યાએ ચોરી થયેલ છે તેની મને ચોક્કસ ખબર નથી. આ અમારું જવેલરી બોક્ષ અમારી સુટકેશમાં નથી, તે બાબતની જાણ અમોને અમારા ઘરે પહોંચી સામાન ચેક કરતાં થઈ છે.
ભાઈના લગ્નમાં આવેલી બહેનને લાગ્યો મોટો ઝટાકો
આ અમારા ઘરેણા ખરીદ કર્યાનું બીલ હાલમાં અમારી પાસે ઉપલબ્ધ નથી. આમ શ્વેતા સેરખાનીએ આ મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ કેસમાં સમાન ક્યાં ચોરાયો એ અંગેની વિગતો ન હોવાથી પોલીસ માટે પણ આ કેસ અઘરો સાબિત થવાનો છે. રેલવેમાં તેમના સૂઈ જવાનો ફાયદો ઉઠાવી કોઈ ગઠિયાઓ તેમની બેગમાંથી સોનાના દાગીના ચોરી જતાં ભાઈના લગ્નમાં આવેલી બહેનને મોટો ઝટાકો લાગ્યો હતો.