મહેસાણાના ડાભલા ગામનો યુવક યુક્રેનથી હેમખેમ પાછો ફર્યો, વર્ણવી એવી દર્દનાક યાતના
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતથી યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે. જેને લઈને પોતાના સંતાનો ઘરે આવી જતા અનેક પરિવારો ભારત સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે.
તેજસ દવે/મહેસાણા: જિલ્લાના ડાભલા ગામનો વિદ્યાર્થી યુક્રેનથી ઓપરેશન ગંગા અંતર્ગત સુખરૂપ ઘરે પહોંચ્યો છે. વિદ્યાર્થી ઘરે પહોંચતા પરિવાર તથા વિધાર્થી પાર્થે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીએ તેમને ઘરે પરત ફરવા માટે ભોગવવી પડેલી યાતના વર્ણવી હતી.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતથી યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે. જેને લઈને પોતાના સંતાનો ઘરે આવી જતા અનેક પરિવારો ભારત સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે.
જો વાત કરવામાં આવે મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામના મનહરભાઈ પરમારનો દીકરો પાર્થ યુક્રેનમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અત્યારે ચાલી રહેલ યુદ્ધની વિકટ પરિસ્થિતિમાં દીકરો હેમખેમ ઘરે પહોંચે એ માટે પરિવાર ખૂબ જ ચિંતિત હતો. પરંતુ ભારત સરકારે શરૂ કરેલ ઓપરેશન ગંગા મિશન દ્વારા તેમનો દીકરો હેમખેમ સુખરૂપ ઘરે આવી જતા પરિવારે રાહતનો દમ લીધો હતો અને પરિવાર માં ખુશી વ્યાપી હતી. આ બાબતે પરિવારે ભારત સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
વિદ્યાર્થીએ યુક્રેનની યાતના વર્ણવી
પાર્થ મનહરભાઈ પરમાર તેમના 57 મિત્રો ટરનોપિલથી નીકળ્યા હતા. તેમણે 25 તારીખે યુક્રેન ટરનોપિલથી યુક્રેન પોલેન્ડ બોર્ડર (સાયની) રસ્તામાં આશરે 50 કિલોમીટર ચાલ્યા પછી ઠંડી અને ભૂખનો સામનો કરીને 1 તારીખે બોર્ડર ક્રોસ કરી પોલેન્ડ પહોંચ્યા હતા. રસ્તામાં ચાર દિવસ દરમ્યાન જમવાનું કે પાણી પણ ખૂટી પડ્યું, જેને લઈને એક બાજુ ઠંડી અને થાક અને ભૂખ ને લઈને પાર્થ પરમારને હાઇપો થરમીયા (બેભાન)થવાની સમસ્યા થઈ હતી. તો રસ્તામાં પાર્થની બેગ ગુમ થઈ ગઈ હતી. જેમાં અગત્યના ડોક્યુમેન્ટ તથા લેપટોપ વગેરે ખોવાઈ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube