સ્વરૂપવાન યુવતીએ મીઠી-મીઠી વાતો કરી મહેસાણાના યુવકને ફસાવ્યો, 80 લાખની કરી છેતરપિંડી
સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી એક યુવકે ભારે પડી છે. યુવતીની મીઠી-મીઠી વાતોમાં આવી મહેસાણાના એક યુવકે રડવાનો વારો આવ્યો છે. મુંબઈની પૂજા નામની યુવતીએ મહેસાણાના એક યુવકને ફસાવી 80 લાખ રૂપિયા પડાવી લીધા છે.
તેજસ દવે, મહેસાણાઃ આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ ખુબ વધી ગયા છે. રૂપિયાની લાલચમાં લોકો પોતે કમાયેલા પૈસા પણ ગુમાવી દેતા હોય છે. સાયબર ફ્રોડ કરનારા પણ અલગ-અલગ પ્રકારની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. હવે મહેસાણાનો એક યુવક આવી છેતરપિંડીનો ભોગ બન્યો છે. તેણે મોટી કમાણીની લાલચમાં 80 લાખ રૂપિયા ગુમાવી દીધા છે.
સોશિયલ મીડિયાથી આવ્યો સંપર્કમાં
જો સોશિયલ મીડિયા પર કોઈ યુવતીની તમને ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો જરા ચેતી જજો. જો સોશિયલ મીડિયા પર બનેલી મિત્ર તમને કોઈ સ્કીમ પકડાવી દે તો પણ જરા ચેતી જજો. મુંબઈની પૂજા નામની એક અજાણી યુવતી કે જેને મહેસાણાના કુકરવાડાના એક યુવક સાથે સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડશીપ કરી. પટેલ જીગર વિષ્ણુભાઈ નામના યુવક સાથે વોટ્એપ કોલ કરી મિત્રતા ગાઢ બનાવી. અને તેને વિશ્વાસમાં લઈને પોતે એક એપમાં રોકાણ કરી કરોડો કમાઈ રહી હોવાનું જણાવી જીગરને પણ તેમાં રોકાણ કરવા મનાવી લીધો હતો.
શરૂઆતમાં આપ્યું વળતર
શરૂઆતમાં 5-25 હજાર રોકાણ કરાવી વળતર પણ આપ્યું. બાદમાં રૂપિયા 80 લાખની ઠગાઈ કરી નાખી. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈની પૂજા નામની યુવતીએ જીગર પટેલ નામના કુકરવાડાના યુવકને લગ્નના સપના બતાવ્યા હતા. 80 લાખના રોકાણમાં 4500 કરોડ મળશે તેવી લાલચ આપી હતી. 4500 આવશે ત્યારે મુંબઈમાં મકાન લઈને લગ્ન કરીને સાથે રહીશું. હું તારા માટે 1 કરોડની ઘડિયાળ ગિફ્ટ માટે લાવી છું કહી ફોટો પણ બતાવ્યો હતો.
આ પણ વાંચોઃ અમરેલીના SPની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો, વકીલ આનંદ યાજ્ઞિકે લગાવ્યો આરોપ
હંમેશા વૉટસ્એપથી વાત કરતી પૂજાએ પૈસા કમાવવા સ્કીમ બતાવી જીગર પટેલના મોબાઈલમાં સેમકો નામની એપ ડાઉનલોડ કરાવી હતી. એપમાં લેવલ 1 થી 9 સુધી ઇન્વેસ્ટ કરાવ્યું હતું. છેલ્લા લેવલ માં 4500 કરોડ જેટલી માતબર રકમ મળશેની લાલચ આપી હતી. પૂજાએ રૂ. 80.33 લાખ સેમકો નામની એપથી અલગ અલગ એકાઉન્ટમાં નંખાવ્યા અને છેલ્લે ખબર પડી કે, આતો ઇન્વેસ્ટ નહિ પૂજા પૈસા લઈ ગઈ છે. ઇન્વેસ્ટ નહિ પણ અંગત ઉપયોગ માટે પૂજા 80.33 લાખ પડાવી ગઈ. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા એક બે નહિ પણ 40 - 40 બેંક એકાઉન્ટ વાળી પૂજા સામે ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.
જીગર પટેલ સાથે પૂજા વોટ્સેપ કોલથી જ વાત કરતી હતી. તેને વીડિયો કોલ કરવાનું કહેતા વાતને ટાળી દેતી. માત્ર સુંદર દેખાતી યુવતીના હાઈ પ્રોફાઈલ સ્ટાઈલમાં ફોટો જ મોકલતી. જેથી કોઈ પણ યુવક લલચાઈ જાય અને વિશ્વાસ કરી લે. આવું એક બે દિવસમાં નહિ પણ ગત જૂન 2024થી ચાલતું હતું. રોજ વાતો કરવી અને ધીમે ધીમે યુવકને વિશ્વાસમાં લેવામાં આવ્યો. ફરિયાદમાં જણાવ્યા મુજબ 40 જેટલા અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા સેરવી લીધા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા એકાઉન્ટ ફ્રિઝ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.