અમદાવાદઃ વિદેશોમાં ગુજરાતીની હત્યાની ઘટનાઓ બનતી હોય છે. જે એક ચિંતાનો વિષય છે. ત્યારે વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે. આ દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવકનું નામ સાજીદ સીદાત છે. તે મૂળ સુરતના નાની નરોલી ગામનો વતની છે. તે છેલ્લા 10 વર્ષથી જોહનિસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો. 


સાજીદ સીદાત ત્યાં એક સીગારેટની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. લૂંટારૂઓ દ્વારા સાજીદની કારનો પીછો કરવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ સાજીદ પાસેથી 78 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તેના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાજીદને પેટ, ગળાના ભાગે ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સુરત નજીક રહેતો તેનો પરિવાર ચિંતામાં આવી ગયો છે.