પૈસાની લેતીદેતી બાબતે ખેલાયો ખૂની ખેલ, સુરતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
સુરતના મહીધરપુરાના ચમનપુરા વિસ્તારમાં પૈસાની લેતીદેતી બાબતે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીને દબોચી લીધો છે.
સુરતઃ સુરતના મહિધરપુરા વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં થયેલી બબાલમાં યુવકને જીવ ખોવાનો વારો આવ્યો છે. ઉધાર આપેલા પૈસાની ઉઘરાણી કરવા જતાં યુવક પર જીવલેણ હુમલો થયો, જેમાં યુવકનું મોત નિપજ્યું. તો પોલીસે પણ તપાસનો ધમધમાટ ચલાવીને આરોપીને દબોચી લીધો છે. ત્યારે શું ઉઘરાણીમાં થયેલી હત્યાનો આખો મામલો જોઈએ, આ રિપોર્ટમાં...
આ છે આપણું સુરત શહેર... આમ તો સુરત શહેર હીરા નગરી તરીકે જાણીતું છે. અહીં સૌરાષ્ટ્ર ઉપરાંત બિહાર અને યૂપીના લોકો રોજગાર માટે સ્થાયી થયા છે. આમ તો સુરત શાંત શહેર છે. પરંતુ જાણે સુરતને હવે કોની નજર લાગી છે કે શાંત ગણાતું સુરત શહેર હવે ક્રાઈમ કેપિટલ બનવા લાગ્યુ છે. સુરતમાં છાસવારે હત્યા, મારામારી અને લૂંટના બનાવો બનવા લાગ્યા છે. આવો જ એક હત્યાનો બનાવ બન્યો મહીધરપુરા વિસ્તારમાં.
સાંજના સમયે મહીધરપુરાના ચમનપુરા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે એક યુવક પર છરી ઘા ઝીંકાતા રસ્તા લોહીથી લાલ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહીધરપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.
વીઓ. ગુનાની ગંભીરતાને જોતા મહીધરપુરા પોલીસે પણ વિવિધ ટીમો બનાવી અને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે કરેલા તાત્કાલિક પ્રયાસના કારણે સફળતા હાથ લાગી અને પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યાને અંજામ આપનારા આરોપી વિવેક ઉર્ફે વીકી ચેવલીને દબોચી લીધો છે.
આ પણ વાંચોઃ ઉત્તરાયણને દિવસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાતા બે લોકોના મોત
પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે આ હત્યાને અંજામ પૈસાની લેતીદેતીમાં અપાયો હતો. ત્યારે શું હતો આખો મામલો તેના પર નજર કરીએ તો મૃતક પિયુષ ઉર્ફે રામુ આરોપી વિકી ચેવલી પાસે પૈસા માગતો હતો. એટલે મૃતક પિયુષે તેના ભાઈને 3 હજારની ઉઘરાણી માટે મોકલ્યો. જેથી ભાવેશ રાણા પૈસા લેવા માટે વિવેક ઉર્ફે વીકી ચેવલી ગયો. જ્યાં તેણે પૈસાની માગણી કરતા વિવેક ચેવલીએ ના પાડી દીધી. એટલું જ નહીં પૈસા ન આપીને વિકી ચેવલીએ ગાળાગાળી પણ કરી હતી. જે બાદ ભાવેશ રાણાએ પિયુષને પાણીની ટાંકી પાસે બોલાવ્યો. પિયુષે આવીને પૈસા માટે વીકી ચેવલી સાથે માથાકૂટ કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલો વિકી ઘરમાંથી છરી લઈ આવ્યો, અને પિયુષ કઈ સમજે તે પહેલાં જ તેણે તેના પર હુમલો કરી દીધો. પિયુષ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતાં મોતને ભેટ્યો, તો બીજી તરફ હત્યા કરીને વિકી ચેવલી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
ફાઈનલ વીઓ. હત્યાની ફરિયાદ નોંધાતા મહિધરપુરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં ટીમો દોડાવી હતી. ત્યારે હત્યા કરનારો આરોપી વિવેક ઉર્ફે વીકી હેમંતકુમાર ચેવલી સુરત છોડીને ભાગી છૂટે તે પહેલાં જ પોલીસે તેને ગોડાદરા -પુણા રોડ પરથી દબોચી લીધો છે. સાથે આરોપી સામે વિવિધ કલમો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube