આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ, ધારાસભ્ય ભરાયા
ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ભરત ચુડાસમા, ભરૂચઃ ભરૂચની સીટ પરથી લોકસભાની સીટ પર ચૂંટણી લડવાના સપનાં સેવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ થઈ છે. જેને પગલે ધારાસભ્ય ભરાયા છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં કાર્યવાહી થઈ છે. જંગલની જમીનમાં ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેને પગલે હવે વન વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી. આ સીટ પર ત્રીપાંખિયો જંગ ખેલાય તેવી સંભાવનાઓ વચ્ચે ચૈતર વસાવા હવે ભરાયા છે કારણ કે આ બિનજામીનપાત્ર ગુનો છે. ફરિયાદ નોંધાયા બાદ આપમાં પણ હડકંપ મચી ગયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વન વિભાગ તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત આદિવાસી પરિવારોને જંગલની જમીન ખેડવા માટે આપવામાં આવતી હોય. જેની ઉપર માલેતુજારો દ્વારા ગેરકાયદેસર કબજો કરી અથવા ગરીબ અને અભણ આદિવાસી ને થોડા ઘણા રૂપિયાની લાલચ આપી જમીન પોતાના માણસો પાસે ખેડવાનું શરૂ કરવામાં આવે છે. હજારો એકર જમીનો ભરૂચ લોકસભા આદિવાસી વિસ્તારના જંગલોમાં આવેલી છે. એની ઉપર ખોટી રીતે કબજો કરી અને ધાકધમકી આપી ખેડવાનું શરૂ કરી દેવામાં આવે છે.
તેમાંથી નીકળતા પાક અથવા ખેતીની ઉપજ આદિવાસીના હાથમાં નહીં પરંતુ આવા અસામાજિક તત્વો પોતાના ખિસ્સામાં નાખી દેતા હોઈ છે. છેલ્લા ઘણા દશકાઓથી વર્ષથી આજ પરંપરા ચાલતી આવી છે. આ મુદ્દા પર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેઓ છ ટર્મથી ભરૂચ ની બેઠક પર આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે. અવારનવાર તેઓ દ્વારા આદિવાસીઓના શોષણ અંગે જાહેરમાં રોષ ઠલવાય છે.
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ જંગલની જમીનો ખેડાણ મામલે વન વિભાગના અધિકારીઓ સામે બોલાચાલી થઈ હતી. વન વિભાગ દ્વારા ધારાસભ્ય ઉપર ફરિયાદ દાખલ કરાતા ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા ઉમેદવારી કરવાની સંભાવના વચ્ચે આ મામલો હવે ભરૂચ જિલ્લામાં તુલ પકડે તો નવાઈ નહીં.
આ કેસમાં ચૈતર વસાવા સામે કયા પ્રકારની કલમો લગાવી એની વિગતો બહાર આવી નથી પણ આ કલમો બિનજામીન પાત્ર હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. વસાવા સામે ફરિયાદ નોંધાતાં આ કેસમાં પોલીસ કાર્યવાહી થઈ તો આપના ધારાસભ્યે જેલવાસ ભોગવવો પડશે. હવે આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે સરકાર આ મામલામાં કેટલો રસ દાખવે છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ હોવાથી આ મામલો રાજકીય રંગ પકડે તો પણ નવાઈ નહીં. જોકે, વનવિભાગ સાથે કયા મામલે માથાકૂટ થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી પણ જમીન ખેડાણનો આ મામલો છે.
ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છેઃ સાંસદ મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે. ચૈતરભાઈ ધારાસભ્ય નહોતા ત્યારે પણ તે માથા ભારે હતા. અગાઉ તેમણે ઘણાં લોકોને માર્યા છે. પોલીસ અને સરકારે આવા તત્વો સામે કડક પગલાં લેવાની જરૂર છે. ખોટી રીતે વન ખાતા ની જમીન પચાવી ઉલટા ચોર કોટવાલ કો ડંડે જેવી હાલત છે. ખરેખર જે ગરીબ છે એવા લોકોને એવા આદિવાસીઓને જંગલની જમીન નથી મળતી. પણ જેનો ગામમાં મોભો હોય, મોટા માથા હોય, માલેતુરા હોય જેનું મોટું નામ હોય એવા લોકો જંગલની જમીન પચાવી લેતા હોય છે. હકદારો તો રહી જાય છે. હજારો એકર જમીનનું આવું કૌભાંડ ચાલે છે.