• સ્માર્ટ સીટી અમદાવાદમાં આંગણવાડી પ્રત્યેનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે

  • માહિતી મુજબ, મ્યુ.તંત્રમાં ૭૦% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે

  • દર વર્ષે 1૦.૩૫ કરોડ માત્ર આંગણવાડીના ભાડા પટે મ્યુનિસિપલ તિજોરીમાંથી ચૂકવાય છે


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ શહેરમાં ચાલુ નાણાંકીય વર્ષમાં આશરે દસ હજાર કરોડનું બજેટ મંજૂર કરાયું છે. અને શાસક પક્ષ દ્વારા કેટલાક વધારાના વિકાસના કામોને પણ લીલી ઝંડી અપાઈ છે. જો કે કોરોના મહામારીના પગલે આ મસ્તમોટા વિકાસના કામો ફક્ત કાગળ પરજ રહી જાય તો કોઈ નવાઈ નહિ. જોકે શરમજનક બાબત એ છે કે, આંગણવાડીમાં પોષણયુક્ત આહાર લેવા માટે આવતા ગરીબ પરિવારના બાળકો પ્રત્યે નજર નાખવામાં આવતી જ નથી. આમ તો શહેરમાં સ્માર્ટ આંગણવાડીના ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે. પરંતુ આર.ટી.આઈ એક્ટિવિસ્ટની આરટીઆઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અમદાવાદ શહેરમાં ચાલી ૨૦૯૫ આંગણવાડી પૈકી ૧૪૩૭ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી રહ્યા છે. જ્યારે ૪૮૨ કેન્દ્રો જુદી જુદી યોજનાઓ હેઠળ બનેલા સરકારી મકાનમાં ચાલી રહ્યા છે. વધુમાં આઈ.સી.ડી.એસ વિભાગના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૭૫ કેન્દ્રો અન્ય સરકારી શાળાઓના કમ્પાઉન્ડમાં, પ્રા. શાળા અને કોમ્યુનિટી હોલ વગેરેમાં ચાલી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબ પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તેવા આશયથી તંત્ર આંગણવાડી કેન્દ્રો ચલાવે છે. છ માસથી છ વર્ષ સુધીના બાળકોને બાલશક્તિ અને માતૃશક્તિ યોજના હેઠળ વય જૂથ પ્રમાણે બાલભોગ કે સુખડી અપાય છે. તે આંગણવાડીમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે કોરોના મહામારીને પગલે સુખડી બનાવી લાભાર્થી બાળકોને પોતાના ઘર સુધી અઠવાડિયામાં ૩ વાર પહોંચાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.


આ પણ વાંચો : વચ્ચે કોઈ બેસે નહિ તેથી સીટ જ બાંધી દેવાઈ, આવતીકાલથી ફિલ્મો બતાવવા મલ્ટિપ્લેક્સનું સફાઈકામ પૂરજોશમાં


શહેરમાં ચાલતી આંગણવાડી કેન્દ્રો દીઠ 30 લાભાર્થી ભૂલકા મુજબ શહેરમાં ચાલતી ૨૦૯૫ આંગણવાડીમાં આશરે ૮૨૮૮૦ તંદુરસ્ત શરીરનો લાભ આંગણવાડીના પૌષ્ટિક આહારથી મેળવી શકે છે. પરંતુ તેમાં દુઃખની બાબત એ છે કે, આંગણવાડી પ્રત્યે હંમેશા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. 


શહેરમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ ૨૦૪૫ આંગણવાડી કેન્દ્રો હતા. જે વધીને ૨૦૧૯ -૨૦ માં ૨૦૯૫ થયા છે. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ફક્તને ફક્ત ૫૦ આંગણવાડી કેન્દ્રોનો વધારો નોંધાયો છે.


મ્યુનિ. તિજોરીમાંથી ભાડાના મકાનમાં ચલાવતી આંગણવાડી માટે એન.જી.ઓને દર મહિને રૂપિયા ૬૦૦૦ નું ભાડું ચૂકવાઈ રહ્યું છે. એટલે કે દર મહિને રૂપિયા ૮૬.૨૨ લાખ અને દર વર્ષે ૧૦.૩૫ કરોડ જેટલી અધધ વિવિધ એન.જી.ઓને ચૂકવવામાં આવી રહ્યાં છે. 


આ પણ વાંચો : ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ 


શહેરમાં ચાલતી ૧૨૭૬ આંગણવાડી કેન્દ્રોની સુપરવિઝનની જવાબદારી એનજીઓના સુપરવાઈઝરને સોંપાઈ હોઈ તે માટે આંગણવાડી દીઠ ૧૦૦૦ રૂપિયા અલગથી સુપરવિઝન ચાર્જ ચૂકવવામાં આવે છે.


આરટીઆઇ એક્ટિવિસ્ટ યશ મકવાણાની આર.ટી.આઈના જવાબમાં આ પ્રકારની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જોકે વર્ષ ૨૦૧પથી વર્ષ ર૦ર૦ સુધીમાં તમામ આંગણવાડી ચલાવવામાં કુલ ખર્ચ કેટલો કરાયો છે, તે ખર્ચ ક્યા ક્યા પ્રકારનો છે અને ક્યાં ક્યાં કરવામાં આવ્યો છે તેવા તેમના અન્ય પ્રશ્નના ઉત્તરમાં મ્યુનિ. આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરે ઢાંકપિછોડો કર્યો છે. આઇસીડીએસ વિભાગે એવી હાસ્યાસ્પદ દલીલ કરી છે કે, છેલ્લા પાંચ વર્ષમાં અલગ ખર્ચ અલગ અલગ પરિપત્ર અનુસાર થયો છે. તમામ પરિપત્ર પ્રસ્તુત કરવા શક્ય નથી અને તમામ વિગત મુજબનો ખર્ચ દરેક વર્ષે કરાયો નથી એટલે કુલ ખર્ચની વિગત મળી શકે તેમ નથી. જો કે અંદાજિત કરોડો રૂપિયા આંગણવાડી ચલાવવા પાછળ ખર્ચાતા હોવા છતાં ગરીબ વિસ્તારમાં કુપોષિત બાળકોનું પ્રમાણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું નથી.


આ પણ વાંચો : સગર્ભા ટ્રોમા સેન્ટર પહોંચે તે પહેલા જ 108માં બાળકનું માથું બહાર આવી ગયું, સ્ટાફે તાત્કાલિક કરાવી ડિલીવરી