ગુજરાતમાં વિપક્ષને કેમ ફાવી ગઈ છે જૂની પેન્શન યોજના? જાણો રાહુલ અને પ્રિયંકાએ શું કહ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જૂની પેન્શન યોજના એક મોટો મુદ્દો બન્યો છે...કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી OPS લાગુ કરવા પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી ચૂક્યા છે. ત્યારે રાહુલ ગાંધીનું એક ટ્વિટ દેખાડે છે કે આ મુદ્દો વિપક્ષ માટે કેટલો મોટો છે...
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં જુદા જુદા સરકારી વિભાગોના કર્મચારીઓ હાલ પડતર માગણીઓ સાથે આંદોલન પર છે...સૌની અલગ અલગ માગ છે, જો કે તેમાંથી એક માગ સામાન્ય છે, આ માગ છે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની...કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આ માગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે વિપક્ષોએ જૂની પેન્શન યોજનાને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જૂની પેન્શન યોજના એટલે કે OPS લાગુ કરવાના વચનનો સમાવેશ કરી દીધો છે..તો આમ આદમી પાર્ટીએ પણ આ માટે તૈયારી દેખાડી છે...કોંગ્રેસ આ માટે રાજસ્થાન અને છત્તીસગઢના દાખલાનો હવાલો આપી રહી છે...તો આમ આદમી પાર્ટી પંજાબમાં OPS લાગુ કરવાની તૈયારીઓ કરી રહી છે.
એવામાં કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ OPS મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા ગુજરાતમાં આ યોજના ફરી લાગુ કરવાનો વાયદો કર્યો છે...પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, જૂની પેન્શન યોજના ખતમ કરીને ભાજપે વૃદ્ધોને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશન મજબૂત બનાવનારા સરકારી કર્મચારીઓનો હક છે જૂની પેન્શન યોજના. અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના ફરી અમલી બનાવી છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ સરકાર આવશે, જૂની પેન્શન યોજના લાવશે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પણ કંઈક આવું જ ટ્વિટ કર્યું...તેમણે હિમાચલમાં પણ OPS લાગુ કરવાનો વાયદો કર્યો છે.
છત્તીસગઢ સરકારે આ વર્ષે માર્ચથી સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. જેમાં નવી પેન્શન યોજના હેઠળ કર્મચારીઓના પગારમાંથી કરવામાં આવતી 10 ટકા કપાતને બંધ કરી દેવાઈ છે. કોંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધી જે 11 જાહેરાતો કરી છે, તેમાંથી એક જૂની પેન્શન યોજનાને લાગુ કરવા અંગેની પણ છે. તો આ તરફ પંજાબની આપ સરકાર પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા વિચારણા કરી રહી છે. મુખ્યમંત્રી ભગવંત માને અંગેની સમીક્ષા કરવા મુખ્ય સચિવને સૂચના પણ આપી છે...ગુજરાતમાં પણ આપ જૂની પેન્શન યોજનાને મોટો મુદ્દો બનાવી રહી છે...
હવે સવાલ એ છે કે આખરે શા માટે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના પર ભાર મૂકી રહ્યા છે, તો તેનો જવાબ મેળવવા જૂની અને નવી બંને પેન્શન યોજના વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે... જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ સમયે કર્મચારીને છેલ્લા પગારની અડધી રકમ પેન્શન તરીકે અપાય છે. જ્યારે નવી પેન્શન સ્કીમમાં નિવૃત્તિ બાદ પેન્શનની રકમ નિશ્વિત નથી હોતી. OPSમાં પેન્શન માટે કર્મચારીના પગારમાંથી કોઈ રકમ નથી કાપાતી. જ્યારે NPSમાં કર્મચારીના માસિક પગારમાંથી બેઝિક પગાર અને ડીએનો 10 ટકા હિસ્સો કપાય છે.
OPSમાં પેન્શનની ચૂકવણી સરકારી તિજોરીમાંથી કરાય છે, જ્યારે NPSમાં પેન્શન શેરબજાર પર આધારિત છે. OPSમાં છ મહિના બાદ મળતા મોંઘવારી ભથ્થાની પણ જોગવાઈ છે. જ્યારે NPSમાં મોંઘવારી ભથ્થાની કોઈ જોગવાઈ નથી. OPSમાં પેન્શનની ચૂકવણી બિનશરતી રીતે થાય છે. જ્યારે NPSમાં નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા NPS ફંડનું 40 ટકા રોકાણ કરવું પડે છે. આ જ કારણ છે કે સરકારી કર્મચારીઓ જટિલ NPSની જગ્યાએ સરળ અને વધુ ફાયદાકારક OPSની પસંદગી કરી રહ્યા છે...જો કે જૂની પેન્શન યોજના સરકારી તિજોરી પર મોટું ભારણ ઉભું કરે છે, જેના કારણે સરકારો તેને લાગુ કરતા ખચકાય છે.