સપના શર્મા/ગાંધીનગર :આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 9 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજુ કરપડા - ચોટીલા

  • પિયુષ પરમાર - જૂનાગઢના માંગરોળ

  • કરસનભાઈ કરમૂર - જામનગર 

  • નીમીષા ખૂંટ - ગોંડલ 

  • પ્રકાશભાઈ કોન્ટ્રાકટર - સુરતની ચોર્યાસી બેઠક 

  • વિક્રમ સૌરાણી - વાંકાનેર 

  • ભરતભાઈ વાખલા - દેવગઢબારીયા 

  • જેજે મેવાડા - અસારવા  

  • વિપુલભાઈ સખીયા - ધોરાજી  


કેજરીવાલની ગુજરાતમાં સતત મુલાકાત બાદ AAP દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે આપની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ઝટકો સમાન છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડી રહી છે. આપ પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે એક પણ મોકો છોડવા માંગતી નથી.  



વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે. 


મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાત પણ કરી છે..જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી.. જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ  કેજરીવાલે  જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ AAP પાર્ટીએ 10 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.