પટેલ સમાજ સામે શું ભાજપને વાંધો છે તે સમજાતું નથી, રાઘવ ચઢ્ઢાનો ભાજપને સીધો સવાલ
Gopal Italiya arrrested By Delhi Police : ગોપાલ ઈટાલિયાની અટકાયત મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચડ્ડાએ કહ્યું કે, ભાજપ શેનો બદલો લઈ રહી છે તે સમજાતું નથી
ગૌરવ દવે/રાજકોટ :દિલ્હીમાં ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની અટકાયત બાદ ગુજરાતમાં મામલો ગરમાયો છે. ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કે, ગોપાલ ઈટાલિયાની ધરપકડથી આખા ગુજરાતમાં પટેલ સમાજમાં ભારે રોષ છે. ત્યારે ટ્વિટર પર પણ ‘Patel’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ. તો સાથે જ #ISupportGopalItalia હેશટેગ સાથે લોકો ટ્વીટ કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપને આડે હાથ લીધા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચડ્ડાએ કહ્યું કે, ભાજપ શેનો બદલો લઈ રહી છે તે સમજાતું નથી.
27 વર્ષની અહંકારી ભાજપ સરકારની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ રહી છે
ગોપાલ ઈટાલિયાની અટકાયત મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચડ્ડાએ કહ્યું કે, ભાજપ શેનો બદલો લઈ રહી છે તે સમજાતું નથી. ગોપાલ ઈટાલિયા સરદાર વલ્લભભાઈ પટેલના વંશજ છે. પટેલ સમાજ સામે શું ભાજપને વાંધો છે તે સમજાતું નથી. ગોપાલ ઈટાલિયા ઉભરતા યુવા નેતા છે, તેથી ભાજપના કહેવાથી એજન્સીઓએ દિલ્હી બોલાવી ધરપકડ કરી છે. ગરીબ અને સામાન્ય પરિવારમાંથી આવતા યુવા નેતા પોતાનું રાજકીય કરિયર બનાવવા જઈ રહ્યા છે. આ માત્ર ગોપાલ ઈટાલીયાની ધરપકડ નથી, તેના સમાજની ધરપકડ છે. ભાજપ સરકાર ડરી ગઈ છે એટલે ગોપાલ ઇટાલીયાની ધરપકડ કરી રહી છે. ગોપાલ ઇટલીયાની સાથે આખું આમ આદમી પાર્ટી ખંભે ખંભો મેળવીને ઉભી છે. થોડા વર્ષો પહેલા ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. જેનો ખાર રાખીને ભાજપ પાટીદારો સાથેનો બદલો લઈ રહી છે. 27 વર્ષની અહંકારી ભાજપ સરકારની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ રહી છે.
આ પણ વાંચો : ઓર્ગેનિક ખેતી કરીને ગુજરાતના આ ખેડૂતે સોનાનો સૂરજ ઉગાડ્યો, હવે ચારેતરફથી થઈ વાહવાહી
ગોપાલ ઈટાલિયા સરદારના વંશજ છે. તેમને તમે જેલથી ડરાવી ન શકો
તો ઈસુદાન ગઢવીએ આ મુદ્દે કહ્યું કે, મને લાગે છે કે ભાજપ આપથી ડરી ગયુ છે. ભાજપ પાસે 27 વર્ષમાં પેપર લીક સિવાય ગૌરવયાત્રા કાઢી શકતુ નથી. સરકારી કર્મચારી અને બધા જ પરેશાન છે, તેમણે 27 વર્ષનો હિસાબ આપવાને બદલે ગોપાલ ઈટાલિયાનો વીડિયો જુએ છે. વીડિયો મુદ્દો હોય તો ગોરધન ઝડફિયા અને હાર્દિક પટેલે પણ ઘણી ગાળો ભાંડી છે. ગોપાલ ઈટાલિયાને કોઈ ખરીદી શક્તુ નથી, તેથી તેમના જૂના વીડિયો કાઢ્યા છે. ગોપાલ ઈટાલિયા પટેલ સમાજનુ ઉભરતો સિતારો છે. તેઓ સરદારના વંશજ છે. તેમને તમે જેલથી ડરાવી ન શકો. તમારામાં તાકાત હોય એટલા દિવસ જેલમાં રાખો. આખા ગુજરાતનો પટેલ સમાજ વિરોધ કરશે. ભ્રષ્ટ ભાજપની તાકાત હોય તો રાજીનામુ આપી બતાવે.
ઉલ્લેખનીય છે કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી. રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.
બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ પડ્યું
ધરપકડ પહેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. તો આ ટ્વીટ પર જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.