સુરતઃ પલસાણા-કડોદરા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 10ના મોત
કારચાલકે સ્ટેયરીંગ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
સુરતઃ રક્ષાબંધનના પર્વ પર પલસાણા-કડોદરા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો પોલીસને પણ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ઈનોવા કારમાં સવાર લોકોના મોત
મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર પલસાણા-કડોદરા નજીક કરણ ગામના પાટીયા પાસે ઈનોવા કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ઈનોવા કારમાં સવાલ મહિલા સહિત 10 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ઈનોવા કારનો ભૂક્કો થઈ ગયો હતો અને અંદર લાશો પડી હતી. ટ્રક કાર સાથે અથડાતા મોટો અવાજ થયો હતો. અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને મૃતકોની ઓળખ મેળવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મુંબઈથી અમદાવાદ જતા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 108 મારફતે મૃતદેહોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલમાં મોકલીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.