જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :આણંદના ઓડ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા નીકળેલા ત્રણ આશાસ્પદ યુવકોના મોત નિપજ્યા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રકની નીચે આવી ગયા હતા. ત્યાં ઘટનાસ્થળે જ તેમનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંણદના ઓડ પાસે કણભાઈપુરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા પાસે સવારે 6 વાગે મોટર સાઈકલ અને ટ્રક એકબીજા સાથે ટકરાયા હતા. સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે ત્રણ યુવકો નીકળ્યા હતા. ત્યારે ટ્રેક મોટર સાઈકલને ટક્કર મારી હતી અને મનોજ રણછોડ ઠાકોર (ઉંમર વર્ષ 23), ભરત પુંજા (ઉંમર વર્ષ 25) અને રાજુ ઠાકોર (ઉમર વર્ષ 30)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જે ટ્રકે અકસ્માત સર્જયો તે એમપી પાસિંગનો ટ્રક હતો. અકસ્માત થતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 


પોલીસે આ અંગે ગુનો નોંધી ટ્રક ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ મણિભાઈના ત્રણ મૃતદેહો જોઈને અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયું હતું.