માંડવીના ગગજી પરિવારના 3 લોકોના અકસ્માતમાં મોત, હળવદ પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ અને...
એમ્બ્યુલન્સના ચાલકને ઝોકું આવી ગયું હતું. જેથી કાબૂ ગુમાવી ચૂકેલ એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા
હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ધનાળા પાસે ગંભીર અકસ્માત (accident) સર્જાયો છે. અમદાવાદથી માંડવી જતી એમ્બ્યુલન્સ પલટી મારી જતાં ત્રણના મોત નિપજ્યા છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરિવારને ઘરે જતા ધનાળા પાસે અકસ્માત નડ્યો હતો. તેમજ ત્રણ લોકોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનાળા ગામ પાસે રાત્રે 12 વાગ્યાના આસપાસ એક એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી, આ એમ્બ્યુલન્સમાં એક દર્દી, ડ્રાઈવર તથા અન્ય ચાર લોકો સવાર હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સના ચાલકને ઝોકું આવી ગયું હતું. જેથી કાબૂ ગુમાવી ચૂકેલ એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. તો ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તો અન્ય ત્રણ ઘાયલોને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ વાંચો : તમારા દાગીનામાં જડેલા હીરા અસલી છે નકલી? આ રીતે તમે ઘરે કરી શકો છો ટેસ્ટીંગ
કોના કોના મોત નિપજ્યા
- વાલજી કાનીયાભાઇ ગગજી , ઉંમર 39 વર્ષ
- કાનીયાભાઇ પબુભાઇ ગગજી, ઉંમર 61 વર્ષ
- વસંત હરીભાઇ ગગજી, ઉંમર 25 વર્ષ
ગગજી પરિવારમાં શોકનું મોજું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ એમ્બ્યુલન્સ અમદાવાદથી માંડવી તરફ જઈ રહી હતી. માંડવીના ગગજી પરિવારના એક બાળકને વીજળીનો કરંટ લાગવાથી તેને અમદાવાદની હોસ્પિટલમાં પરિવાર દ્વારા સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારે પરિવાર સારવાર લઈને માંડવી તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળક તથા એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો બચાવ થયો છે. તથા અન્ય એક વ્યક્તિનો બચાવ થયો છે. તો ત્રણ લોકોના મોતથી ગગજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો : રાશિફળ 5 ડિસેમ્બર : મિથુન રાશિમાં થશે ધનલાભ, પણ 3 રાશિવાળા રહેજો સાવધાન