વડોદરામા યુવા ઉદ્યોગપતિનું દર્દનાક મોત, ફુલસ્પીડમાં વાહન હંકારવુ ભારે પડ્યું
વડોદરામાં એક યુવા ઉદ્યોગપતિનું દર્દનાક મોત નિપજ્યુ છે. સાફ સફાઈનુ કામ કરતુ વડોદરા કોર્પોરેશનના સ્વીપર મશીન અને ઉદ્યોગપતિની એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં યુવા ઉદ્યોગપતિ અંકિત પંચાલનું મોત નિપજ્યુ હતું.
રવિ અગ્રવાલ/વડોદરા :શહેરના વડસર બ્રિજ ઉપર મોડી રાત્રે કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે ઉદ્યોગપતિ યુવાનનું મોત નિપજ્યું છે. ઘર પાસે જ યુવાનનું મોત નિપજતાં સન્નાટો છવાઇ ગયો હતો. પોલીસે યુવાનના અકસ્માત માટે યમદૂત પુરવાર થયેલ સફાઇ મશીન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડસર પાસે આવેલ બી-33, આશ્રય ટેનામેન્ટમાં 26 વર્ષિય અંકિત પ્રકાશચંદ્ર પંચાલ પરિવાર સાથે રહે છે. અને મકરપુરા જી.આઇ.સી.માં કંપની ધરાવે છે. મોડી રાત્રે પોતાની એક્ટીવા લઇ વડસર બ્રિજથી ઘર તરફ આવી રહ્યો હતો. તે સમયે રોડ ઉપર સફાઇ કરતા કોર્પોરેશનના સફાઇ મશીને તેને અડફેટમાં લેતા મોત નિપજ્યું હતું.
મકાન પાસે જ અકસ્માતનો બનાવ બનતા પરિવારજનો અને સોસાયટીના લોકો સ્થળ પર દોડી ગયા હતા. ઘટના સ્થળે પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. અરેરાટીભર્યા બનાવમાં આશાસ્પદ અંકિત પંચાલનું કોર્પોરેશનના સફાઇ મશીનની અડફેટે આવી જતાં નિપજેલા મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આ પણ વાંચો : નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે ઃ વિજય રૂપાણી
અકસ્માતના બનાવને પગલે લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં માંજલપુર પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે અકસ્માત સર્જાતા સ્થળ પરથી કોર્પોરેશનનું સ્વીપર મશીન કબજે કર્યું હતું. બીજી બાજુ પોલીસે કોર્પોરેશનના વાહન
ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગંભીર ચેતવણી : ત્રીજી લહેરમાં સ્કૂલો શરૂ કરવી બાળકો માટે જોખમી બનશે