મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.
Gujarat Heavy Rains Forecast: ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મેઘરાજાએ ભાદરવામાં જતા જતા પણ ભુક્કા બોલાવ્યા છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવરાત્રિના 6 દિવસ પહેલા જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી છે. અમદાવાદ, જસદણ, ખેડાના નડિયાદ, અમરેલી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણ ઠંડું થયું છે.
30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હજુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.
અમરેલીના વડીયામાં ભારે વરસાદના કારણે લોકી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરની સ્થિતિ દરમિયાન પાણીના પ્રવાહને પાર કરતા પશુના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહને ચીરીને પશુઓ આગળ વધ્યા અને સલામત રીતે સામાકાંઠે આવી ગયા. તો સૌરાષ્ટ્રનો બીજો સૌથી મોટો ડેમ ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 27 હજાર 575 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. ભાદર ડેમના દરવાજા ખોલતા રાજકોટના જેતપુરની દેરડીની બેઠી ધાબી પાણીમાં ગરકાવ થઈ છે...જેથી લોકોને અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ છે. તો નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીનું જળસ્તર પણ વધ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
રાજકોટના તલંગાણા ગામે ધોધમાર વરસાદ
રાજકોટના જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગાણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. તલંગણા અને આસપાસના મજેઠી, કુંઢેચ, લાઠ, ભીમોરા, સમઢીયાળા અને કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા બફારાથી રાહત મળી. તલંગણા ગામે ઓસમ પર્વતના પાણી વોકળામાં આવતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તલંગણા ગામે વોકળા, નદી બે કાંઠે વહેતી થઈ. તલંગણા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ ગયું. ઉપલેટાના કાળા નાલા વિસ્તાર, આમ્રપાલી સોસાયટી, જીરાપા પ્લોટ, રબારી વાસ, દ્વારકાધીશ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, સિંધી બજાર અને કાદી વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ
તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા. ગિરનાર પર્વત પર મનમોહક દ્રશ્યો સર્જાતા લોકોમાં ખુશી જોવા મળી. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે. ઘોડાપુર આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ગિરનગર જંગર અને પર્વત પર 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. માણાવદરના ખડિયા, સરદારગઢ અને વેકરી ગામમાં વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.
અંબાજીમાં ધોધમાર વરસાદ
યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. બપોર પછી અંબાજીના વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદના લીધે રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા. અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાથી આંશિક રાહત મળી હતી.
રાજકોટમાં પણ વરસાદી માહોલ
તો રાજકોટના ધોરાજી અને જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો. ધોરાજી અને જેતપુરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થયું હતું. ધોરાજીના તોરણિયા, ગુંડાળા, ફરેળી અને ભોળા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. હજુ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાને મેઘરાજા ધમરોળશે.
પાટણના સિદ્ધપુરમાં વરસાદ
તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાનું આગમન થયું. પાટણના સિદ્ધપુરમાં બપોર પછી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સિદ્ધપુર, નેદ્રા, બિલીયા અને ખળી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. ભારે પવનન સુસવાટા સાથે ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું અને અસહ્ય બફારાથી રાહત મળી હતી. ગુજરાતમાં હજુ 30 તારીખ સુધી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
સુરતની મીંઢોળા નદીના પાણી ઘૂસ્યા
સુરત જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતા લોકોની મુશ્કેલી વધી છે. મીંઢોળા નદીના પાણી બારડોલીના ખાડા અને તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા છે, લોકોના ઘરમાં નદીના પાણી ઘૂસતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે, ફરી એક વખત પાણીએ લોકોની હાલત કફોડી બનાવી છે. પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. દર વર્ષે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના આવા જ હાલ થાય છે.