તેજશ મોદી/સુરત: શહેરમાં સસ્તામાં સોનું ખરીદવાની લાલચમાં નારીયેળના વેપારીએ રૂ.3 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ''ખોદકામ કરતા સોનું મળ્યું છે'' એમ કહીને બે ગઠીયા અસલી સોનાના ત્રણ મણકાં આપી વિશ્વાસ કેળવી બાદમાં પૈસા લઈ નકલી સોનાની આઠ ચેઈન પધરાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં અમરોલી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ગોડાદરા વિસ્તારના નારીયેળના હોલસેલ વેપારીએ સસ્તામાં સોનું ખરીદવાની લાલચમાં રૂ.3 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમના એક છૂટક વેપારી મારફતે ખોદકામ કરતા સોનું મળ્યું છે કહી બે ગઠીયા અસલી સોનાના ત્રણ મણકાં આપી વિશ્વાસ કેળવી બાદમાં પૈસા લઈ નકલી સોનાની આઠ ચેઈન પધરાવી ફરાર થઈ ગયા હતા. 


મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં ગોડાદરા રોડ માનસરોવર સોસાયટી મકાન નં.334 બ્લોક બી માં રહેતો 26 વર્ષીય આનંદસ્વરૂપસીંગ શ્રીપ્રકાશસિંગ ઠાકુર નારીયેળનો હોલસેલ વેપાર કરે છે. તેની પાસેથી નારીયેળ ખરીદતા અને સુદામા ચોક પાસે વેચતા રમેશ યાદવ પાસે તે ગત 18 જૂનના રોજ પેમેન્ટ લેવા ગયો હતો. ત્યારે રમેશે કહ્યું હતું કે તેની પાસે બે ભાઈ આવ્યા હતા અને ખોદકામ કરતા સોનું મળ્યું છે, સસ્તામાં વેચવાનું છે જો કોઈને લેવું હોય તો વાત કરવા કહ્યું છે. આનંદ સ્વરૂપસીંગે સોનું જોઈને ખરીદવાની વાત કરતા રમેશે બંનેએ આપેલા સોનાના ત્રણ મણકાં ઘરે હોય આનંદ સ્વરૂપસીંગને પોતાના ઉત્રાણ વીઆઈપી સર્કલ સ્થિત ઘરે લઈ જઈ મણકાં આપ્યા હતા.


આનંદ સ્વરૂપસીંગે તે મણકાં વરાછા માતાવાડીની લેબમાં ચેક કરાવતા તે સાચા હોય રમેશને ફોન કરી કેટલું સોનું છે તે પૂછવા કહેતા બંનેએ 300 ગ્રામ સોનું રૂ.3 લાખમાં આપવાની વાત કરી હતી. આથી 20 જૂનના રોજ આનંદસ્વરૂપસીંગ પૈસા લઈને રમેશના ઘરે ગયો હતો. ત્યાં 50 થી 55 વર્ષનો એક વ્યક્તિ અને 30 થી 35 વર્ષનો યુવાન આવ્યા હતા. 


આનંદ સ્વરૂપસીંગે તેમને રૂ.3 લાખ આપતા તે સોનાની આઠ ચેઈન આપી તરત ત્યાંથી ચાલ્યા ગયા હતા. આનંદ સ્વરૂપસીંગે ચેઈન વરાછાની લેબમાં ચેક કરાવી તો તમામ નકલી હતી. આથી રમેશ મારફતે તે બે વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી ફોન કર્યો તો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો. પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે આનંદ સ્વરૂપસીંગે પોલીસમાં અરજી કર્યા બાદ અમરોલી પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અમરોલી પોલીસે આ ગુનામાં બે ગઠીયા પૈકી એક મોહનભાઈ ગંગારામભાઈ પરમારની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂ.3 લાખ કબજે કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube