કાપડ વેપારીઓનું કરોડોનુ ઉઠામણું કરનાર ઠગ રાજસ્થાનથી પકડાયો, મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો
Surat Crime News : છ વર્ષ પહેલા ઉઠમણું કરનાર આરોપી રવિ રાજસ્થાનના ફતેપુર ખાતે મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતે જઈને આરોપી રવિ શર્માને ઝડપી પાડ્યો
ચેતન પટેલ/સુરત :સુરત શહેર કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે. ત્યારે કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના કિસ્સાઓ નવા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી છેતરપિંડીના કિસ્સાઓ બનતા હતા. પરંતુ હાલ આ કિસ્સાઓમાં વધારો થયો છે. છેતરપિંડીનો આવો જ એક કિસ્સો વર્ષ 2015માં ન્યુ બોમ્બે માર્કેટમાં બન્યો હતો. જેમાં આરોપી રવિ શર્માએ વેપારીઓ પાસેથી દોઢ કરોડની કિંમતનું કાપડ ખરીદી ઉઠમણું કરીને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો. જેને છ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
સુરતના કાપડ માર્કેટમાં ઉથમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આ ઉઠામણાં લાખોમાં નહિ, પરંતુ કરોડો રૂપિયાના હોય છે. આ જ પ્રકારનું એક ઉઠામણું વર્ષ 2015 ના મે મહિનાથી ઓગસ્ટ મહિના દરમિયાન થયું હતું. જેમાં રાજસ્થાનના ફતેપુર ખાતે રહેતો રવિ શર્મા સુરત ખાતે આવીને કાપડ માર્કેટના અલગ અલગ વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હતો. પોતે ન્યુ બોમ્બે માર્કેટમાં ડી-544 નંબરની દુકાનમાં મારુતિ ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતો હોવાનું જણાવ્યુ હતું. અલગ અલગ સમયે ત્રણ મહિના દરમિયાન કુલ 1 કરોડ 42 લાખ રૂપિયાનું ઉધારમાં કાપડ ખરીદી કરી હતી. પરંતું પેમેન્ટની મુદતે ચૂકવણી નહીં કરીને રાતોરાત દુકાન બંધ કરીને ઉઠમણું કરી નાસી ગયો હતો. તે સમયે વેપારીઓએ તેના વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : રાજપૂતાણીઓનું શૌર્ય, બાઈક પર તલવાર પકડીને કર્યા ગરબા, Video જોઈને કહેશો વાહ
કરોડોનું ઉઠામણું કર્યા બાદ આરોપી રવિ શર્મા પોલીસથી બચવા પોતાની ધરપકડ ન થાય તે માટે સુરત છોડીને રાજસ્થાનના સિકર જિલ્લા ખાતે નાસી ગયો હતો. રાજસ્થાન જઈને રવિ મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી ઉઠમણાં અને છેતરપિંડીની ફરિયાદોને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેને પગલે આ પ્રકારના ગુના આચરીને ભાગી જનાર આરોપીઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, છ વર્ષ પહેલા ઉઠમણું કરનાર આરોપી રવિ રાજસ્થાનના ફતેપુર ખાતે મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. પાક્કી બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતે જઈને આરોપી રવિ શર્માને ઝડપી પાડ્યો હતો.
રાજસ્થાનથી રવિ શર્માને સુરત લાવીને ક્રાઈમ બ્રાન્ચે તેની પૂછપરછ હાથ ધરી છે. તેમજ આવનારા સમયમાં કાપડ ઉદ્યોગમાં કોઈપણ વેપારી આ રીતે છેતરપિંડી ન કરે તેને ધ્યાને લઈને દાખલારૂપ સજા કરવા માટે પણ સુરત શહેર પોલીસ મક્કમ બની છે.