વલસાડની એક આંબાવાડીમાંથી ગાયબ થઈ રહી હતી કેરીઓ, તપાસ કરી તો આંખો પર વિશ્વાસ ન થયો
- જિલ્લાની આંબાવાડીઓમાં કેરી ચોર ગેંગ દિવસે અને રાત્રે પણ આંબા ઉપરથી કેરી ચોરી અને ખેડૂતોને ચૂનો લગાવી રહી હોવાનું બહાર આવ્યું
- ખેડૂત અશોકભાઈએ તેમના માણસોને સાથે રાખી અને વોચ ગોઠવી હતી. એવા સમયે જ વાડીમાંથી એક રીક્ષા બહાર નીકળતા જોતાં તેઓએ ઝડપી હતી
ઊમેશ પટેલ/વલસાડ :રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરીઓની સાથે હવે કેરી ચોરીના બનાવો વધી રહ્યા છે. વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાંથી છેલ્લાં કેટલાક સમયથી કેરી ચોરીના ગુનાઓ વધતા આવા કેરી ચોરોના ત્રાસથી ખેડુતો પરેશાન થઈ ગયા છે. વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં કેરી ચોરીનો એક ગુનો દાખલ થતાં જ પારડી પોલીસે કેરી ચોરતી ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.
મહત્વ પૂર્ણ છે કે, વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લાના ખેડૂતો આ વખતે એક સાથે ત્રણ ત્રણ મુસીબતોનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં મોસમના મારને કારણે આ વખતે કેરીનો પાક ઓછો ઉતર્યો હતો. આવામાં તૌકતે વાવાઝોડાને કારણે આંબા ઉપરથી મોટા પ્રમાણમાં કેરી ખરી પડી હતી. આથી મોસમના માર બાદ વાવાઝોડાને કારણે પણ ખેડૂતોને પડ્યા પર પાટું સહન કરવું પડ્યું હતું અને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આવા સમયે હવે જિલ્લામાં કેરીના ઊંચા ભાવને કારણે કેરી ચોરીના બનાવો વધી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂનો સમય ઘટાડાયો, જાણો ક્યારથી અમલ થશે
જિલ્લાની આંબાવાડીઓમાં કેરી ચોર ગેંગ દિવસે અને રાત્રે પણ આંબા ઉપરથી કેરી ચોરી અને ખેડૂતોને ચૂનો લગાવી રહી હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલી એક વાડીના નજીક કોટલાવ ગામના ખેડૂત અશોકભાઇ પટેલની વાડીમાં છેલ્લા કેટલાક સમયથી આંબાઓ ઉપરથી કેરીઓ ગાયબ થઈ રહી હતી. સતત એક અઠવાડિયા સુધી આ કેરીઓ ગાયબ થતાં જ ખેડૂત અશોકભાઈએ તેમના માણસોને સાથે રાખી અને વોચ ગોઠવી હતી. એવા સમયે જ વાડીમાંથી એક રીક્ષા બહાર નીકળતા જોતાં તેઓએ ઝડપી હતી અને અંદર તપાસ કરતાં મોટી માત્રામાં કેરીનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : માસાની વાસનાનો ભોગ બનેલી કિશોરીને ન્યાય મળ્યો, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
આથી પોલીસને જાણ કરતાં રિક્ષા ચાલકની અટકાયત કરી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા કેરી ચોરીના રેકેટનો ખુલાસો થયો હતો. સાથે જ આ કેસમાં પોણીયા ગામના સાગર દીપકભાઈ નાયકા અને નીતિન સુરેશભાઈ હળપતિ નામના આરોપીઓ કેરી ભરેલી આ રિક્ષા સાથે ઝડપાયા છે. રિક્ષાચાલક રાજુભાઈ પટેલ સાથે મળીને સાંજે અને મોડી રાત્રે ગામની આસપાસની આંબા વાડીઓમાંથી આંબા ઉપરથી કેરી ચોરી અને તેને બજારમાં વેપારીઓને વેચી દેતા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં કેરી ચોરીની ફરિયાદ વધી રહી હતી પરંતુ 10 કિલોથી લઇ એક બે મણ જેટલી કેરી ચોરી થવા જેવી નાની અમથી વાતને પોલીસ સ્ટેશનના ચક્કરથી બચવા ખેડૂતો નજર અંદાજ કરી રહ્યા હતા. પરંતુ કેરીની ખેતીમાં મોટું નુકસાન વેઠતા ખેડૂતો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ પણ વાંચો : રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવાને લાયક ન રહ્યો
ફરિયાદી ખેડૂત અશોકભાઈની વાડીમાંથી છેલ્લા 1 અઠવાડિયામા અંદાજે 90 મણ થી 100 કેરીની ચોરી થઈ છે. આખરે ત્રાસીને તેમણે પોલીસને જાણ કરી હતી. એ સમયે જ પોલીસ પહેલા તેમણે આ કેરી ચોર ગેંગને ઝડપી પોલીસને સોંપી દીધા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે આ કેરી ચોરો પાસેથી કેટલાક વેપારીઓ ખરીદી લે છે. આથી કેરી ચોરોને મોકળું મેદાન મળી રહે છે. આથી કેરી ચોરીના બનાવો વધી રહ્યા છે અને આખા જિલ્લાના ખેડૂતો કેરી ચોરોના ત્રાસથી પરેશાન છે.