અતુલ તિવારી, અમદાવાદઃ ચીનના વુહાનથી ચારેય તરફ ફેલાયેલાં જીવલેણ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં સ્થિતિ વિકટ બની છે. કોરોનાની મહામારીને કારણે લાંબા સમયથી ધંધા-રોજગારની સાથો-સાથ શિક્ષણ ક્ષેત્રને પણ માઠી અસર પહોંચી છે. એક પ્રકારે શિક્ષણની પ્રક્રિયાની ગતિ મંદ પડી ગઈ હતી એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ઓનલાઈન એજ્યુકેશનના નામે સરકારે શિક્ષણ પ્રક્રિયાને ગતિશીલ રાખવાનો પ્રયાસ જરૂર કર્યો હતો. આ સ્થિતિની વચ્ચે હાયર એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યાં છે. આજથી ડીગ્રી / ડિપ્લોમા ફાર્મસીના અભ્યાક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીઓ બપોરે 12 વાગ્યાથી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. કોરોનાની મહામારીને કારણે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરાશે. 22 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રાજ્યની 4 સરકારી (3 ડીગ્રી અને 1 ડિપ્લોમા), 10 અનુદાનિત સંસ્થાઓ (3 ડીગ્રી અને 7 ડિપ્લોમા), 80 સ્વનિર્ભર સંસ્થાઓ (69 ડીગ્રી અને 11 ડિપ્લોમા)માં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.


તેમજ ડીગ્રી ફાર્મસીની 6186 તેમજ ડિપ્લોમા ફાર્મસીની 1331 એમ કુલ 7517 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ડીગ્રી / ડિપ્લોમા ફાર્મસીના અભ્યાક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પેટે ઓનલાઈન માધ્યમથી જ 300 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ગુજકેટ બેઝડ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 31 ઓગસ્ટના રોજ જાહેર કરાશે. 8 સપ્ટેમ્બરના રોજ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. ગુજકેટ બેઝડ ફાઈનલ મેરીટ લિસ્ટ 10 સપ્ટેમ્બરે જાહેર થશે. પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ લિસ્ટ 18 સપ્ટેમ્બરે જાહેર કરાશે.