એક્ટ્રેસ પાયલ રોહતગીની અટકાયત : સોસાયટીના બાળકોને ધમકાવ્યા, ‘રમશો તો ટાંટિયા ભાંગી નાંખીશ’
જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે. તે સેટેલાઈટની જે સોસાયટીમાં એક્ટ્રેસ રહે છે તે સોસાયટીના ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી (Payal Rohatgi) એ ફ્લેટની મીટિંગમાં જઈ સભ્યો સાથે ગાળાગાળી કરી ધમકીઓ આપી છે. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી ફિલ્મ એક્ટ્રેસની અટકાયત કરી છે.
ઉદય રંજન/અમદાવાદ :જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમાં આવી છે. તે સેટેલાઈટની જે સોસાયટીમાં એક્ટ્રેસ રહે છે તે સોસાયટીના ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાયલ રોહતગી (Payal Rohatgi) એ ફ્લેટની મીટિંગમાં જઈ સભ્યો સાથે ગાળાગાળી કરી ધમકીઓ આપી છે. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી ફિલ્મ એક્ટ્રેસની અટકાયત કરી છે.
પાયલે સોસાયટીના રહીશો સાથે બિભત્સ ભાષામાં વાત કરી
અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વાર વિવાદમા આવી છે. તેની સામે સેટેલાઈટ તેની જ સોસાયટીનાં ચેરમેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પરાગ શાહ નામનાં તબીબે આ મામલે નોંધાવેલી ફરિયાદ મુજબ સુંદરવન સોસાયટીમાં પાયલ રોહતગી દોઢ વર્ષથી રહેવા આવી છે. 20મી જૂનના રોજ સોસાયટીની એ.જી.એમ મીટીંગ હતી. તેમાં સોસાયટીનાં તમામ સભ્યોને બોલાવવામા આવ્યા હતા. જેમાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં વગર બોલાવે આવી ગઈ હતી. જેથી ચેરમેન પરાગ શાહે તેઓના માતાપિતાના નામે ફ્લેટ છે અને તેઓ હાજર છે તેવુ કહીને પાયલને વચ્ચે ન બોલવાની અને તેની કોઈ જરૂર નથી તેવુ કહ્યુ હતુ. જોકે પાયલે સોસાયટીનાં સભ્યો તેમજ ચેરમેન સાથે બિભિત્સ ભાષામાં વાત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ સભ્યોને ડરાવવા માટે મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવાનુ શરૂ કર્યુ હતુ. જે બાબતે ચેરમેને ના પાડતા ઉશ્કેરાઈને પાયલે ગાળાગાળી કરી હતી.
ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર પોસ્ટ મૂકી
ઘટના બાદ પાયલે સોસાયટીનાં વોટ્સએપ ગૃપમાં બિભત્સ અને અભદ્ર મેસેજ મોકલ્યો હતો. આ અંગે ટકોર કરાતા પાયલે મેસેજ ડિલીટ કર્યો હતો. ચેરમેનની ફરિયાદ અનુસાર છેલ્લા માર્ચ મહિનાથી પાયલ રોહતગી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર સોસાયટીનાં સભ્યો વિશે ખોટા મેસેજ મૂકે છે, જેમાં સોસાયટીનાં જે સભ્યને 4-5 બાળકો હોય તે બાબતે વીડિયો અપલોડ કરીને હિન્દી ભાષામાં અમારી સોસાયટીનાં કેટલાક લોકો ફેમીલિ પ્લાનીંગ નથી કરતા તેવુ કહ્યુ હતુ. જે બાદ 23 મી જૂનના રોજ પાયલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. જેમાં ‘હમારી સોસાયટી કા જો ચેરમેન હૈ, વો ગુંડાગીરી કરતા હે...’ તેવી ઉશ્કેરણીજન પોસ્ટ મૂકી હતી. તેમજ “જયેશ રાવલ કરકે કોઈ ડૉક્ટર ગુંડે કી તરહ ચીલ્લા રહા થા, બિચારા પાગલ ન હો જાયે મેરી વજહ સે..’ જેવી કમેન્ટ લખી હતી.
સોસાયટીના બાળકોને પણ ધમકાવ્યા
પાયલે સોસાયટી કાયદેસર હોવા છતાં ગેરકાયદેસર છે તેવુ લખાણ લખ્યુ હતુ. જે બાદ પાયલ દ્વારા અવારનવાર સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. તેમજ સોસાયટીના બાળકો રમતા હોય તો અહી રમશો, તો ટાંટીયા ભાંગી નાંખીશ તેવી ધમકીઓ આપી પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર ઉશ્કેરણીજનક મેસેજ મુકતી હતી.
પાયલ રોહતગીની અટકાયત કરાઈ
રાજસ્થાન પોલીસમાં પણ સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ગુનાહિત વીડિયો મુકવા બાબતે પાયલ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ત્યારે પાયલની સોસાયટીના બાળકો અને સિનિયર સિટીઝન તેના ડરથી ઘરની બહાર નીકળતા ડરી રહ્યા હોય તેવી ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. આ મામલે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી એક્ટ્રેસ પાયલ રોહતગીની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.