અજય શીલુ, પોરબંદરઃ સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં છેલ્લા થોડા સમયમાં જે રીતે આગની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેના કારણે હાઇકોર્ટે પણ ફાયર સેફટી મુદ્દે આકરું વલણ દાખવ્યું છે. પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે શહેરની બહુમાળી બિલ્ડિંગોને નોટિસો અપાઈ રહી છે અને સીલ કરવા સહિતની કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ખુદ પાલિકાની બિલ્ડિંગ જ ફાયર સેફ્ટી વિહોણી હોવાથી પાલિકા સામે જ ગંભીર સવાલો થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર-છાંયા નગરપાલિકા માટે હાલમાં "ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે" કહેવત છે તે એકદમ સાચી સાબિત થઈ રહી છે કારણ કે પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો ન ધરાવતી અને ફાયર એન.ઓ.સી ન હોય તેવી 100થી વધુ બહુમાળી બિલ્ડિંગોને ફાયર સેફટી લગાવવા નોટીસો અપાઈ રહી છે તેમજ બિલ્ડીંગોને સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે જે પાલિકા બહુમાળી બિલ્ડિંગોને નોટિસ આપી રહી છે તે પાલિકામાં દિવસ દરમિયાન હજારો લોકો અવરજવર કરતા હોય છે. આમ છતા લોકોના જીવ જાણ કે મહત્વના ન હોય તેમ પાલિકાની ખુદની કચેરીમાં જ ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાવેલા નથી અને પાલિકા પાસે ફાયર એનઓસી પણ નથી.


આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો હાજર, થયો વિવાદ  


કરોડો રૂપિયાના ખર્ચે નવ નિર્માણ પામેલી પાલિકાની બહુમાળી બિલ્ડિંગમાં ખુબ જ મહત્વની એવી ફાયર સેફ્ટીની દરકાર લીધા વિના જ પાલિકા અહીં કાર્યરત થઈ જતા વિપક્ષ દ્વારા પણ ગંભીર સવાલો ઉઠાવાયા છે. વિપક્ષ નેતાએ જણાવ્યુ હતુ કે,પાલિકા બીજાને નોટીસ આપવાને બદલે પહેલા પોતે તો ફાયર સેફ્ટી અને એનઓસી લેવી જોઈએ ત્યારબાદ શહેરીજનો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.


પોરબંદર શહેરમાં 100થી વધુ બહુમાળી બિલ્ડીંગો પાસે ફાયર સેફ્ટી અંગેની એનઓસી નહી હોવાથી રાજકોટ રીજનલ કમિશનર દ્વારા હાઈકોર્ટના આદેશનું પાલન કરતા થોડા દિવસ પૂર્વે જ પોરબંદરની આવી બે બહુમાળી બિલ્ડિંગોના પાર્કિંગને સીલ મારવાની કામગીરી દેવભૂમિ દ્વારકાના સ્ટેશન ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ઉલેખ્ખનીય છે કે, પોરબંદર શહેરમાં અનેક બહુમાળી બિલ્ડિંગો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ હોટલ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી તેને પાલિકા દ્વારા ફાયર સેફ્ટી લગાવવા નોટીસ અપાઈ છે પરંતુ ખુદ પાલિકાની આધુનિક બિલ્ડીંગ જ ફાયર સેફ્ટી વગર કાર્યરત છે તે અંગે પોરબંદર-છાંયા નગરપાલિકાના ચીફ ઓફિસરને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, આ બિલ્ડિંગ તાજેતરમાં જ અહી કાર્યરત થયેલ છે પાલિકાએ ફાયર સેફ્ટીના સાઘનો ફીટીંગ અંગે પાલિકાએ ટેન્ડર પણ કર્યુ હતુ. પરંતુ પાલિકા તે ટેન્ડરમા સફળ થઈ ન હતી જેથી હાલમાં નવા એસ્ટિમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચોઃ ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવાદ, પ્રમુખ ભુપત બોદરથી સમિતિના ચેરમેન નારાજ


રાજ્યમાં અવાર-નવાર ફાયર સેફ્ટીના અભાવે આગની દુર્ઘટના વેળાએ અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે જે જવાબદાર તંત્રએ ફાયર સેફ્ટી અંગે લોકોને જાગૃત કરવાના છે તે ખુદ જ ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવે તે ખુબજ મોટી વાત કહી શકાય ત્યારે પોરબંદર-છાંયા નગરપાલિકા પોતાના બહુમાળી ભવનમાં વહેલીતકે ફાયર સેફ્ટી વસાવે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube