ADRએ ધારાસભ્યોની આવકને લઈને જાહેર કર્યો રિપોર્ટ, ગુજરાતના MLAની સરેરાશ આવક 18.80 લાખ
પૂર્વોત્તર રાજ્યના 614 ધારાસભ્યની સરેરાશ આવક સૌથી ઓછી 8.53 લાખ છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા ધારાસભ્યોની આવકને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારતના અલગ-અલગ રાજ્યના વર્તમાન ધારાસભ્યોની સરેરાશ આવક 24.59 લાખ હોવાનું સામે આવ્યું છે. દેશના કુલ 4086 ધારાસભ્યમાંથી 3145 ધારાસભ્યોએ પોતાની આવક જાહેર કરી છે. જ્યારે 941 જેટલાં ધારાસભ્યોએ પોતાની આવક જાહેર કરી નથી. દક્ષિણ ભારતની વાત કરીએ તો 711 ધારાસભ્યોની સરેરાશ આવક 51.99 સૌથી વધારે છે.
તો પૂર્વોત્તર રાજ્યના 614 ધારાસભ્યની સરેરાશ આવક સૌથી ઓછી 8.53 લાખ છે. કર્ણાટકના 203 ધારાસભ્યની સરેરાશ આવક 111.4 લાખ છે. મહારાષ્ટ્રના 256 ધારાસભ્યની સરેરાશ આવક 43.4 લાખ છે. છત્તીસગઢની વાત કરીએ તો 63 ધારાસભ્યની વાર્ષિક સરેરાશ આવક 5.4 લાખ છે. ઝારખંડના 72 ધારાસભ્યની સરેરાશ આવક 7.4 લાખ છે.
વઢવાણના ધારાસભ્યની સૌથી વધુ આવક
ગુજરાતના પરીપેક્ષમાં જોવામાં આવે તો ગુજરાતના 182 ધારાસભ્યો પૈકી 161 ધારાસભ્યોએ પોતની આવકને સોગંધનામાંમાં દર્શાવી છે અને રાજ્યના 21 ધારાસભ્યોએ પોતાની આવક જાહેર કરી નથી. ગુજરાતના 161 ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક 18.80 લાખ છે. જેમાં વઢવાણના ભાજપના ધારાસભ્ય ધનજી પટેલની વાર્ષિક આવક સૌથી વધારે 3.90 કરોડની છે. તેઓએ ખેતી અને વ્યવસાયનો ઉલ્લેખ કર્યો છે. સૌથી ઓછી વાર્ષિક આવક અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની માત્ર 69340 રૂપિયા છે. તેઓ પોતે સામાજીક કાર્યકર હોવાનો ઉલ્લેખ કર્યો છે. 161માં થી 33 એટલે કે 21 ટકા ધારાસભ્યોએ તેમનો વ્યવસાય બિઝનેશ દર્શવ્યો છે. જ્યારે 56 એટલે કે 35 ધારાસભ્યો ખેડૂત છે ચાર ધારાસભ્યો એટલે 2 ટકા ધારાસભ્યોએ તેમનો વ્યવસાય રીયલ એસ્ટેટ દર્શાવ્યો છે. જેમની વાર્ષીક આવક 76.35 લાખ છે. 3 ટકા ધારાસભ્ય એટલે કે 5 ધારાસભ્યોએ તેમનો વ્યવસાય સામાજીક કાર્યકર તરીકે નો દર્શાવ્યો છે. તેમની સરેરાશ વાર્ષિક આવક 6.24 લાખ સૌથી ઓછી છે. ધોરણ 5 થી 12 સુધી ભણેલા 53 ટકા એટલે કે 85 ધારાસભ્યોની વાર્ષિક આવક 19.83 લાખની છે. સ્નાતક કે તેનાથી વધારે ભણેલા 39 ટકા એટલે કે 63 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 14.37 લાખની છે. રાજ્યના ચાર અભણ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 74.17 લાખની છે. ધોરણ 5 સુધી ભણેલા ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 6.59 લાખની છે. જાણીને નવાઇ લાગશે કે 57 ધારાસભ્યોની ઉંમર 25 થી 50 વર્ષની છે, અને તેમની સરેરાશ વાર્ષિક આવક 9.11 લાખ છે. જેની સામે 51 થી 80 વર્ષની વય ધરાવતા 104 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક 24.11 લાખ છે.