શરમ કરો! વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો છે આ અહેવાલ, કયા મોંઢે માગશો મત
2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતી એમપી લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ ના કર્યો હોવાનું ADR ના રિપોર્ટમાં સામે આવ્યું છે. ગુજરાતના 26 સાંસદોએ કંજુસાઈ દર્શાવતા તેમને મળતી કુલ રકમના માત્ર 49.77 ટકા ફંડ જ વાપરી શક્યા છે. 26 પૈકી રાજકોટના સાંસદ રહેલ મોહન કુંડરિયા ગ્રાન્ટ વાપરવામાં સૌથી નબળા પુરવાર થયા છે.
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. રાજકીય પાર્ટીના ઉમેદવારો દિલ્લી દરબારમાં પહોંચવા માટે પ્રજા વચ્ચે જઈને મત માગી રહ્યા છે. ત્યાં એક રિપોર્ટથી ગુજરાતના સાંસદોની કંજૂસાઈનો ખુલાસો થયો છે. મતવિસ્તારના વિકાસ માટે સાંસદોને જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે ગ્રાન્ટ પણ આપણા સાંસદો પુરી વાપરી શક્યા નથી. તેના કારણે અડધો અડધ ગ્રાઉન્ટ પરત જતી રહી અને વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો. જુઓ વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો આ અહેવાલ.
- ગુજરાતી સાંસદોને મતવિસ્તારની ચિંતા નથી?
- કેમ પુરુ ફંડ પણ ન વાપરી શક્યા સાંસદો?
- પુરી ગ્રાન્ટ વાપરવાની કેમ ન લીધી દરકાર?
- ગ્રાન્ટ વાપરવામાં કેમ કંજૂસ રહ્યા ગુજરાતી સાંસદ?
ગુજરાતમાં લોકસભાની 26 બેઠક બેઠક છે. 2014 અને 2019ની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને ખોબલે ખોબલે મત આપી તમામ 26 બેઠક જીતાડી હતી. ભાજપના તમામ મુરતિયાઓને ગુજરાતી પ્રજા દિલ્લી દરબારમાં છેલ્લી બે ટર્મથી મોકલે છે. પરંતુ ગુજરાત ભાજપના આ સાંસદો એટલા બેદરકાર અને કંજૂસ છે કે તેમને કેન્દ્ર સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ પણ પુરી વાપરી નથી શક્યા. અને આ ખુલાસો ADRના રિપોર્ટમાં થયો છે.
કોઈ પણ સાંસદને પાંચ વર્ષની 25 કરોડની ગ્રાન્ટ મળે છે. આ 25 કરોડ રૂપિયા પોતાના મતવિસ્તારમાં અલગ અલગ વિકાસકામો માટે સાંસદોએ વાપરવાના હોય છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે દોઢ વર્ષ માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ યોજના ફીઝ કરી દેવાઈ હતી. જેના કારણે દરેક સાંસદને 25 કરોડના બદલે માત્ર 17 કરોડની જ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જે 17 કરોડ મળ્યા તેનું પણ સારી રીતે આયોજન કરી ગુજરાતના સાંસદો ન વાપરી શક્યા. માત્ર 49.77 ટકા જ ફંડ આ સાંસદોએ પોતાના વિસ્તારમાં વાપર્યું...જ્યારે બાકીનું તમામ ફંડ સરકારમાં જતું રહ્યું....
ગુજરાતના દરેક સાંસદને મળેલા 17 કરોડમાંથી કોણે કેટલા વાપર્યા તેની વાત કરીએ તો, જૂનાગઢના રાજેશ ચુડાસમાએ 7 કરોડ, દાહોદના જશવંતસિંહ ભાભોરે 7 કરોડ, ગાંધીનગરના અમિત શાહે 9.5 કરોડ, રાજકોટના મોહન કુંડારિયાએ 5 કરોડ, પાટણના ભરતસિંહ ડાભીએ 9.5 કરોડ, આણંદના મિતેષ પટેલે 9.5 કરોડ, અમદાવાદ પશ્ચિમના કિરીટ સોલંકીએ 9.5 કરોડ, પંચમહાલના રતનસિંહ રાઠોડે 7 કરોડ, ભરૂચના મનસુખ વસાવાએ 9.5 કરોડ, બારડોલીના પ્રભુ વસાવાએ 7 કરોડ, ભાવનગરના ભારતી શિયાળે 7 કરોડ, સુરેન્દ્રનગરના મહેન્દ્ર મુંજપરાએ 7 કરોડ, ખેડાના દેવુસિંહ ચૌહાણે 7 કરોડ, સાબરકાંઠાના દીપસિંહ રાઠોડે 9.5 કરોડ, નવસારીના સી.આર.પાટીલે 9.5 કરોડ, કચ્છના વિનોદ ચાવડાએ 9.5 કરોડ, સુરતના દર્શના જરદોષે 9.5 કરોડ, પોરબંદરના રમેશ ધડૂકે 9.5 કરોડ, વલસાડના કે.સી.પટેલે 7 કરોડ, મહેસાણાના શારદા પટેલે 7 કરોડ, બનાસકાંઠાના પરબત પટેલે 9.5 કરોડ, વડોદરાના રંજન ભટ્ટે 9.5 કરોડ, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલે 9.5 કરોડ, જામનગરના પુનમ માડમે 9.5 કરોડ, છોટાઉદેપુરના ગીતા રાઠવાએ 9.5 કરોડ અને અમરેલીના નારણ કાછડિયાએ પણ 9.5 કરોડ વાપર્યા....એટલે કે આ તમામ સાંસદોની 50 ટકાથી વધુ ગ્રાન્ટ પરત જતી રહી છે.
કોણે કેટલી વાપરી ગ્રાન્ટ?
બેઠક સાંસદ ગ્રાન્ટ વાપરી
જૂનાગઢ રાજેશ ચુડાસમા 7 કરોડ
દાહોદ જશવંતસિંહ ભાભોર 7 કરોડ
ગાંધીનગર અમિત શાહ 9.5 કરોડ
રાજકોટ મોહન કુંડારિયા 5 કરોડ
પાટણ ભરતસિંહ ડાભી 9.5 કરોડ
આણંદ મિતેષ પટેલ 9.5 કરોડ
અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી 9.5 કરોડ
પંચમહાલ રતનસિંહ રાઠોડ 7 કરોડ
ભરૂચના મનસુખ વસાવા 9.5 કરોડ
બારડોલીના પ્રભુ વસાવા 7 કરોડ
ભાવનગર ભારતી શિયાળ 7 કરોડ
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા 7 કરોડ
ખેડા દેવુસિંહ ચૌહાણ 7 કરોડ
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ 9.5 કરોડ
નવસારી સી.આર.પાટીલ 9.5 કરોડ
કચ્છ વિનોદ ચાવડા 9.5 કરોડ
સુરત દર્શના જરદોષ 9.5 કરોડ
પોરબંદર રમેશ ધડૂક 9.5 કરોડ
વલસાડ કે.સી.પટેલ 7 કરોડ
મહેસાણા શારદા પટેલ 7 કરોડ
બનાસકાંઠા પરબત પટેલ 9.5 કરોડ
વડોદરા રંજન ભટ્ટ 9.5 કરોડ
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 9.5 કરોડ
જામનગર પુનમ માડમ 9.5 કરોડ
છોટાઉદેપુર ગીતા રાઠવા 9.5 કરોડ
અમરેલી નારણ કાછડિયા 9.5 કરોડ
ગુજરાતના 26 સંસદસભ્યો હસ્તક 17 કરોડ લેખે કુલ રૂપિયા 442 કરોડ આવ્યા હતા, પરંતુ 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી. જેમાંથી 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામો માટે કુલ 220 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે મળવાપાત્ર ફંડના માત્ર 49.77 ટકા થાય છે. સાંસદોએ જે કામોની ભલામણ કરી હતી તેમાં રેલવે-માર્ગ-બ્રિજ અને પથવે માટેની 5 હજાર 111 યોજનાઓમાં 114.81 કરોડ, પીવાના પાણીની 1992 યોજનાઓ માટે 17.25 કરોડ, શિક્ષણની 1046 યોજનાઓ માટે 295 કરોડ, આરોગ્યની 675 યોજનાઓ માટે 13.15 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિંચાઈ, એનર્જી, પબ્લિક ફેસેલિટી, સેનિટેશન સ્પોર્ટ્સ કૃષિ, પશુપાલન, હેન્ડલૂમ અને અર્બન ડેવલપમેન્ટ પાછળ વધતી- ઓછી રકમ ફાળવવામાં આવી છે.
- ગુજરાતના 26 સંસદસભ્યો હસ્તક 17 કરોડ લેખે 442 કરોડ આવ્યા હતા
- 26 સાંસદોએ માત્ર 354.99 કરોડ રૂપિયાના કામોની ભલામણ કરી હતી
- 263.15 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા
- 220 કરોડ ફાળવવામાં આવ્યા જે મળવાપાત્ર ફંડના માત્ર 49.77 ટકા
કયા કામમાં કેટલા વપરાયા?
- રેલવે-માર્ગ-બ્રિજ, પથવે માટેની 5 હજાર 111 યોજનાઓમાં 114.81 કરોડ
- પીવાના પાણીની 1992 યોજનાઓ માટે 17.25 કરોડ
- શિક્ષણની 1046 યોજનાઓ માટે 295 કરોડ
- આરોગ્યની 675 યોજનાઓ માટે 13.15 કરોડ મંજૂર કરાયા હતા
જો ગુજરાતના સાંસદો થોડા એક્ટિવ રહ્યા હોત અને પોતાના મતવિસ્તાર માટે તમામ રૂપિયા વાપર્યા હોત તો વિસ્તારનો વિકાસ ઉડીને આંખે વળગી શકે તેમ હતો. પરંતુ સાંસદોની અણઆવડત કહો કે પછી આળસને કારણે લોકોના હકના નાણાં હતા તે પણ જતાં રહ્યા. આશા રાખીએ કે હવે 2024માં જે પણ સાંસદ ચૂંટાઈને જશે તેઓ આળસ ખંખેરી લોકો માટે મળતાં તમામ રૂપિયાનું યોગ્ય આયોજન કરી વાપરશે.