અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘર
Ahmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
Ahmedabad Property Market અમદાવાદ : એક લેટેસ્ટ અહેવાલ અનુસાર, અમદાવાદ દેશના 8 મહાનગરોની સરખામણીમાં સૌથી સસ્તુ શહેર છે. ગુજરાતના આ મેગા સિટીમાં પ્રતિ ચોરસ ફૂટનો સરેરાશ ભાવ રૂ.3031 છે. જોકે, હવે અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ જોર પકડી રહ્યું છે. નાઈટ ફ્રેન્કના છેલ્લા અહેવાલ મુજબ 2024ના જૂન સુધીના 6 મહિનામાં શહેરમાં નવા 9,377 મકાન વેચાયા હતા. જેમાં 1 કરોડથી વધુની કિંમતના ઘરના વેચાણમાં 9 ટકાનો વધારો નોંધાયો છે.
કયો વિસ્તાર સૌથી મોંઘો, અને કયો સૌથી સસ્તો (ભાવ પ્રતિ ચોરસ ફૂટ)
- આંબાવાડી - 5950-6490
- નવરંગપુરા - 5150-6100
- નિકોલ - 2500-3200
- વસ્ત્રાલ - 2200-2800
- ચાંદખેડા 2600-3430
- મોટેરા 3500-4200
- અસલાલી - 1500-1800
- બોપલ - 3300-4100
- પ્રહલાદ નગર 5500-5700
ભલે અમદાવાદ દેશનું સૌથી સસ્તુ મહાનગર હોય, પરંતું અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ હવે ઉંચકાયું છે. અમદાવાદમાં રહેણાંકના વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 2024ના પ્રથમ છ મહિનાનો રિપોર્ટ જણાવે છે કે, 9,377 એકમોના વેચાણ સાથે 17% પ્રોપ્રટી વેચાણમાં વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ગુરુવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ 10 વર્ષની ઊંચી સપાટી છે. અમદાવાદ શહેરે રેસિડેન્શિયલ માર્કેટમાં વેગમાં વધારો જોયો હતો અને વેચાણમાં 17% વાર્ષિક વૃદ્ધિ કરી છે.
ખાસ કરીને અમદાવાદમાં લાઈફસ્ટાઈલ અનુસાર પ્રોપર્ટીમાં વધારો થયો છે. લોકોની જરૂરિયાત અનુસાર સુવિધાઓ અને ઓફર આવવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેણાંક એકમોની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે 1% વધીને રૂ. 3,035 પ્રતિ ચોરસ ફૂટ થઈ છે, તેવું નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટ કહે છે કે, મહામારી બાદ અમદાવાદનું પ્રોપ્રટી બજાર ફરીથી ધમધમતુ થયું છે. મહામારી બાદ આવેલી મંદી પછી સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. જે ઘર ખરીદનારાઓમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જેણે વેચાણની માત્રામાં વધારો કર્યો છે. અમદાવાદ ટોચના આઠ મહાનગરોમાં સૌથી નીચા પ્રતિ સ્ક્વેર ફીટ રહેણાંક ભાવ સાથે ઐતિહાસિક રીતે સૌથી વધુ વેચાણ એફોર્ડેબલ કેટેગરીમાં (રૂ. 50 લાખથી નીચે) જોવા મળ્યું હતું. આ ટિકિટ-સાઇઝ કેટેગરીનો હિસ્સો H1 2024માં ઘટીને 39% થઈ ગયો હતો, જે રૂ. 50 લાખથી રૂ. 1 કરોડની કિંમતના એકમોના મિડ-સાઇઝ સેગમેન્ટ કરતાં નીચે હતો, જે વેચાણમાં 41% હિસ્સો ધરાવે છે. રૂ. 1 કરોડથી વધુની કિંમતના એકમોના વેચાણનો હિસ્સો એક વર્ષ અગાઉ 11 ટકાની સરખામણીએ વર્તમાન ગાળામાં વધીને 20 ટકા થયો છે, અહેવાલમાં જણાવાયું છે.
નાઇટ ફ્રેંકના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બલબીલસિંહ ખાલસાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ફાઇનાન્સિયલ માર્કેટ વધી રહ્યો છે. જેથી લોકોની આવક વધી ગઈ છે. જેથી લોકો પ્રીમિયમ સેગમેન્ટમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધતા મોટા ઘરોની જરૂરિયાત ઊભી થઈ રહી છે. હવે 1 બીએચકેની નવી સ્કીમો લોન્ચ થવાની લગભગ બંધ થઈ ગઈ છે.
અમદાવાદના કયા વિસ્તારો મકાન ખરીદવા હોટ ફેવરિટ
મોટાભાગના લોકો પશ્ચિમ અમદાવાદમાં રહેણાંક મકાનો ખરીદવાનું વધુ પસંદ કરે છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર સતત નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. છેલ્લા છ માસમાં ગોતા, ન્યૂ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોટેરામાં સૌથી વધુ 30 ટકા મકાનો વેચાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી વિસ્તારમાં 29 ટકા મકાનો વેચાયા છે.