કચ્છમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઇન ઝડપાતા ખળભળાટ
મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુન્દ્રા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. ટેલ્કમ પાઉડરની આડમાં કચ્છના મુન્દ્રા બંદરે હજારો કરોડો રૂપિયાની કિંમતના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામ ડીઆરઆઈના સત્તાવાર સૂત્રોએ ચોક્કસ આંકડો જણાવવાના બદલે આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રાઈસ મુજબ હેરોઈનની કિંમતનો આંકડો ખૂબ મોટો હોવાનો નિર્દેશ આપ્યો છે. આંકડો હજુ ઊંચે જઈ શકે છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આંધ્ર પ્રદેશના વિજયવાડાની એક પેઢીએ કસ્ટમના ચોપડે ટેલ્કમ પાઉડરનો કાર્ગો ડીકલેર કર્યો હતો. જે ઈરાનના બંદર અબ્બાસ પરથી લોડ થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટની એફએસએલ ટીમોએ સ્થળ તપાસમાં હેરોઈન હોવાનું પ્રાથમિક તારણ આપ્યું છે. કન્ટેઈનરમાંથી 38 બેગ ભરીને હેરોઈન મળ્યું છે. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સૂત્રધારોને સંકજામાં લેવાના આશયથી ડીઆરઆઈ દ્વારા આ પ્રકરણમાં ભારે ગુપ્તતા સાથે પૂરજોશમાં તપાસ ચાલી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. એટલું જ નહીં, આ પ્રકરણમાં બેદરકારી અને સંડોવણી બદલ સ્થાનિક કસ્ટમ તંત્ર પર પણ ગાજ વરસે તેવી શક્યતા છે. ભારતીય જળ સીમાએ સુરક્ષા વ્યવસ્થા સઘન થયા બાદ આ રીતે ગેરકાયદે હેરોઈન ઘૂસાડવાનો કારસો રચાયો હોવાનું સૂત્રો ઉમેરે છે. આ પ્રકરણમાં એક-બે દિવસમાં સત્તાવાર ધડાકા થાય તેવી શક્યતા છે.