6 મહિના છિપાવી શકાશે રાજકોટવાસીઓની તરસ, ઉનાળામાં સર્જાશે તંગી
રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કારણ કે, રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં માત્ર છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કારણ કે, રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં માત્ર છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ જીલ્લાનાં 25 મોટા ડેમમાં 94 ટકા જળરાશિ એટલે કે, 20161 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે. મોટાભાગનાં ડેમ હજુ પુરી સપાટીએ છે અને નવી આવક આવી રહી છે.
આ પૈકી અમુક જ ડેમ પીવાનાં પાણીનાં સ્ત્રોત છે. તેમજ નર્મદાની પાઇપ લાઇનમાંથી પણ પાણી આવી રહ્યું છે. જોકે રાજકોટની વસ્તીને ધ્યાને લેતા દરરોજ 18 થી 20 એમસીએફટી પાણીની જરૂર પડી રહી છે. આજીમાં 900 જ્યારે ન્યારી 1માં 1100 એમસીએફટી પાણીનો જથ્થો છે. તેથી માત્ર છ મહિનામાં ડેમ ડેડ વોટર સુધી પહોંચી જશે. જેથી ફરી રાજકોટ શહેરને સૌની યોજનાથી ડેમ ભરવાની જરૂર પડશે એટલે કે, રાજકોટ પાણીની બાબત સાવ નર્મદા નિર આધારીત રહેશે.
આજીડેમમાં કુલ સ્ત્રોત 900(MCFT) , દૈનિક ઉપાડ 5 (MCFT) , 5.5 મહિના ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે, જ્યારે ન્યારી ડેમમાં કુલ સ્ત્રોત 1100 (MCFT) , દૈનિક ઉપાડ 5 (MCFT) , 6 મહિના મહિના ચાલે તેટલું ઉપલબ્ધ પાણી છે. ભાદર ડેમ કુલ સ્ત્રોત 6644 (MCFT) , દૈનિક ઉપાડ 3 (MCFT) , પાણીને પિયત માટે અનામત રાખવામાં આવે.
રાજકોટ મહાનગરપાલીકાનાં મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, હાલની સ્થિતીએ રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા પુરતો જથ્થો છે. પરંતુ જો રાજકોટવાસીઓ પાણીનો બગાડ કરશે તો આગામી દિવસોમાં પાણીની તંગી સર્જાય શકે છે. ગત વર્ષે પણ સૌની યોજનાથી રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો નહોતો પડ્યો અને આ વર્ષે પણ પાણી પૂરતું મળી રહેશે. પરંતુ હવે રાજકોટવાસીઓએ પાણીનો કઇ રીતે ઉપયોગ કરવો તે નિર્ણય કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube