આમ આદમી પાર્ટીના ધડાકાની જાહેરાત બાદ ભાજપ-કોંગ્રેસે પણ ચૂંટણીના ઘોડા દોડાવ્યા
Gujarat Mission 2022 : આપના ગુજરાતમાં એક્ટિવ થવાથી ભાજપ અને કોંગ્રેસ પણ સક્રિય થયુ છે, દશેરાના દિવસે ઘોડું દોડાવતી કોંગ્રેસ પણ આળસ ખંખેરીને ઉભી થઈ છે
ગૌરવ પટેલ/બ્રિજેશ દોશી/ગાંધીનગર :પહેલીવાર ગુજરાતમાં ‘મિશન 2022’ માટે એક-બે નહિ, ત્રણ રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. ગુજરાતમાં આપની એન્ટ્રી બાદ ભાજપ-કોંગ્રેસના પેટમાં ફાળ પડી છે. બીજી તરફ, જે રીતે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં એક્ટિવ થયા છે તે જોતા હવે ભાજપ અને કોંગ્રેસ પણ પોતાના ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે.
પ્રદેશ ભાજપે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જુદા જુદા 5 રાજ્યોના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે તેવુ આયોજન કરાયુ છે. ઝોન પ્રમાણે અલગ અલગ રાજ્યને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપની ઝોન મુજબ જવાબદારી
- ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન ભાજપના કાર્યકરોના શિરે
- મધ્ય ઝોનની જવાબદારી મધ્ય પ્રદેશ અને ઝારખંડ ભાજપના કાર્યકરો પર
- દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપના શિરે
- સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી બિહાર ભાજપને આપવામાં આવી
આ પણ વાંચો : ગુજરાતમાં AAP નો માસ્ટર સ્ટ્રોક : આજે ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરીને ધડાકો કરવાની તૈયારીમાં
કોંગ્રેસે કરી 26 લોકસભા અને 182 વિધાનસભાના ઈન્ચાર્જની નિમણૂંક
તો બીજી તરફ, હંમેશા મોડા મોડા જાગતા કોંગ્રેસે પણ આપની એક્ટિવનેસ જોઈને આળસ ખંખેરી છે. એક તરફ પાર્ટીમાંથી અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ છોડીને જતા પહેલેથી જ કોંગ્રેસને ફટકો પડ્યો છે. તેમાં પણ આપની ગુજરાતમાં એન્ટ્રીથી કોંગ્રેસની વોટબેંકને મોટું નુકસાન થઈ શકે છે. આવામા વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પૂરજોશમાં તૈયારી આરંભી દીધી છે. આ માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢના કાર્યકરોએ ગુજરાતમાં ધામા લીધા છે. 26 લોકસભા અને 182 વિધાનસભાના ઈન્ચાર્જની નિમણૂંક કરાઈ છે. આ ઈન્ચાર્જને વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર દુખનો પહાડ તૂટ્યો
મોંઘવારી, રોજગારી, શિક્ષણના મુદ્દે કોંગ્રેસ ચૂંટણી લડશે
કોંગ્રેસ દ્વારા નિમાયેલા ઈન્ચાર્જને કોર્ડિનેશન, સંકલન, પ્રચાર પ્રસાર અને સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ છે. તેમજ ચૂંટણી પહેલા કાર્યકરોને બુથ સ્તર સુધી પહોંચવાની જવાબદારી પણ તેમના શિરે છે. સાથે જ સ્થાનિક આગેવાનો સાથે મળીને ઈન્ચાર્જ કાર્ય કરી રહ્યા છે. કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને આગળ કરી લડશે. જેમાં મોંઘવારી, રોજગારી, શિક્ષણના મુદ્દે લોકોને માહિતીગાર કરાશે. આરોગ્ય અને ખેડૂતો મુદ્દે સરકારની નિષ્ફળતા કોંગ્રેસ ઉજાગર કરશે. સરકારે કરેલા વાયદા પૂર્ણ ન કર્યાની પણ કોંગ્રેસ નાગરિકોની વચ્ચે જઈને વાત કરશે.