ભાવનગર : ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલમાં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પાંચ મહિના બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ સિંહોને જંગલમાં ફરીથી છોડી દેવામાં આવશે.  


સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાઈન ડિસ્ટેમ્પર જેવી વાયરસના હાહાકારના છ મહિના બાદ હવે ગીરનું જંગલ રોગમુક્ત બન્યું છે. વન વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં સિંહોને પાર્કમાં લાવીને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે જલ્દી જ આ સિંહોને ખુલ્લા જંગલમાં વિહરવા મળશે. સમયાંતરે રસી આપતા અનેક સિંહોના માથા પરથી ઘાત ટળી હતી. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધી સીડીસી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી હવે 34 સિંહોને જલ્દી જ મુક્ત કરવામાં આવનાર છે.