સુરત : જિલ્લાના ઓલપાડના કિમ ગામે ગત સોમવારે 22 વર્ષીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છૂટ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે પતિએ ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ગત રોજ હત્યારા હરીશચંદ્રનો મૃતદેહ કિમ-કઠોદરા વચ્ચે મળી આવ્યો હતો. પત્નીની હત્યા કરી આપઘાત કરી લેનાર પતિ હરીશચંદ્રના મળી આવેલા મોબાઈલમાંથી હત્યા બાદ ઉતારેલા વીડિયો પણ મળી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની કિરણની હત્યા કર્યા બાદ પતિ હરીશચંદ્રએ પત્નીની લાશની બાજુમાં બેસી વીડિયો પણ ઉતાર્યો હતો. આ સાથે જ વીડિયોમાં પત્ની અંગે ખરાબ શબ્દો બોલી, કુછ પૂછો મત, ઈસલિયે આજે મેને ઈસકા ખૂન કર દીયા હે. આ વીડિયો તેના સસરાને મોકલવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે, તે ફોરવર્ડ થઇ શક્યો નહોતો. 


ઓલપાડના કિમ ગામે ગત સોમવાર વહેલી સવારે અંબિકા નગર સોસાયટીમાં રહેતી કિરણબેન (ઉં.વ 22)ની ઠંડે કલેજે હત્યા કરી પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ (મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે અંબિકા નગર, કિમ -કઠોદરા)ભાગી છુટ્યો હતો. પતિ જે મકાનમાં રહેતો હતો તેને તાળું મારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો. કિરણબેનના હરીશચંદ્ર સાથે લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. લગ્ન બાદ સતત ઝઘડાઓ થયા કરતા હતા.


પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટેલા હત્યારા પતિ હરીશચંદ્રને શોધવા એલસીબી, એસઓજી સાથે કિમ પોલીસ કામે લાગી હતી. જો કે મોડી સાંજે હત્યારા પતિનો મૃતદેહ કિમ કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈ ફુલચંદે લાશને ઓળખી બતાવી હતી.