ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર પાટીદાર નેતા હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે મેં ગઇકાલે ગર્વ સાથે રાજીનામું આપ્યું છે. એક કાર્યકર્તા સારું કાર્ય કરવાની ભાવના સાથે પાર્ટીમાં જોડાઇ છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું 2015 થી 2019 સુધી ઇમાનદારીથી અસંખ્યક લોકોના અધિકાર માટે આંદોલન કર્યું હતું. સરકારના વિરોધમાં લડાઇ લડ્યા હતા અને બિન અનામત વર્ગને 10 ટકા અનામત આપવાનું કામ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2015 અને 2017 ની ચૂંટણીમાં ફાયદો કરાવ્યો હતો. લોકોનો અવાજ ઉપાડવા માટે રાજકારણમાં જોડાવા નક્કી કર્યું અને 2019 માં કોંગ્રેસમાં જોડાયો હતો. 2019 થી 2022 સુધી મેં કોંગ્રેસને જાણી, કોંગ્રેસમાં સૌથી વધારે જાતિવાદ છે.  


હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસમાં મને કાર્યકારી જવાબદારી સોંપવામાં આવી હતી. કાર્યકારી પ્રમુખની જવાબદારી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.  બે વર્ષ સુધી કોઈ મને કાર્યકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ન હતી. આજે હું ખુલ્લા મનથી ચર્ચા કરવા માટે આવ્યો છું. કોંગ્રેસમાં સૌથી મોટું જાતિવાદનું રાજકારણ છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે


હું જ્યારે કોગ્રેસમાં જોડાયો ન હતો ત્યારે કોંગ્રેસના નેતાઓ મારા વખાણ કરતા અને કહેતા કે તારા જેવા યુવાનની જરૂર છે. જ્યારે કોઇ કોંગ્રેસ વિરોધી નિવેદન કરે ત્યારે તે વેચાઇ ગયો કે ગદ્દારીનું નિવેદન આપે છે. કોંગ્રેસમાંથી ધારાસભ્યો અને પૂર્વ સાંસદો છોડીને ગયા ત્યારે વિચારવાની જરૂર હતી. અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ બન્યા તે જોવાની જરૂર છે, ગુજરાતમાં માત્ર પાંચ સાત લોકો પાર્ટી ચલાવે છે. મારા રાજીનામા બાદ અનેક લોકોએ મને ફોન કરી અભિનંદન આપ્યા હતા. 


રાહુલ ગુજરાત આવે ત્યારે તેમને ગુજરાતની સાચી માહિતી અપાતી નથી. દિલ્હીમાં બેઠેલા નેતાઓ રાહુલ ગાંધીને કહે છે ગુજરાત માં રીઝલ્ટ નહી આવે તેમે ધ્યાન ન આપો. છેલ્લી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સૌથી ખરાબ પરિણામ આવ્યું હતું. કોંગ્રેસમાં છેલ્લે એક સેલમાં પ્રમુખની નિમણૂંક કરી તેમાં જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેનો મતલબ હું સ્પષ્ટ કરવા માંગુ છું દલિત સમાજમાં પણ આટલા ભાગ છે, પાટીદાર સમાજમાં પણ આટલા ભાગ છે. ગુજરાતમાં બેઠેલા નેતાઓ દિલ્હીમાં એવું પ્રિડિક્શન આપે છે જે કે લેઉઆ કડવાના ભાગલા કરી દઇએ તો ઘણો ફરક પડી શકે છે. કોંગ્રેસની બેઠકમાં જાતિવાદ સિવાય કોઇ કામ નથી. હું લોકોની માફી માંગુ છું કે 2017 માં મેં તમને કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી. ધાર્મિક સંસ્થાના વડાઓએ મને ચેતવ્યો હતો પણ માન્યો નહી. 2022 માં લોકો અને યુવાનોનો દુર ઉપયોગ ન થાય એ જુએ. 


તેમને આગળ કહ્યું કે ગઇકાલના મારા રાજીનામા પછી આજે અમુક નેતાઓ રાજકોટ ગયા છે ચિંતિન શિબિર માટે ત્યાં અમારા સમાજના અગ્રણી એવા નરેશભાઇને મળ્યા, મારે દુખ સાથે કહેવું પડે છે કે 9:58 વાગે નરેશભાઇ ઘરની અંદર એન્ટ્રી કરી અને 10:10 વાગે બહાર નિકળી ગયા. તો 12 મિનિટમાં એવી તો શું ચર્ચા કરી લીધી. કોંગ્રેસ માત્ર એવું બતાવવનો પ્રયાસ કરે છે કે અમે નરેશભાઇને લેવા માંગીએ છીએ. 2017 માં અમારા જેવા લોકોનો ઉપયોગ થયો છે. અમે નિસ્વાર્થ ભાવે ભાજપ સામે એટલા માટે આંદોલન કરતા હતા કારણ કે અમારે અમારા સમાજને ન્યાય આપવો હતો. 


જ્યારે કોઇ કોંગ્રેસનો નેતા દિલ્હીથી આવે છે ત્યારે માત્ર કોઇ ગુજરાતી જ અને ગુજરાતી આગળ છે એના હિત સાથે માત્ર ગુજરાતીઓ પર આરોપ-પ્રત્યારોપ થાય છે. સરદાર પટેલની વાત કરીએ, મોરારજી દેસાઇની વાત કરીએ, અદાણી-અંબાણીની વાત કરીએ દેશના પ્રધાનમંત્રી ભલે ગમે તેવા ન હોય ગમે તે રાજ્યના કેમ ન હોય પણ એ ગુજરાતી છે એટલા માટે તે લોકો વ્યક્તિગત રીતે આરોપ પ્રત્યારોપ કરવાનું કામ કરે છે. અદાણી અંબાણી એમની મહેનતથી પૈસાવાળા બન્યા છે. ગુજરાતની અંદર એક નાનામાં નાનો ઉદ્યોગપતિ એક નાનામાં નાનો વ્યક્તિપણ ઇચ્છા રાખે છે કે હું પણ અદાણી અંબાણી બનું. દરેક કોઇ મોટા ઉદ્યોગપતિને પોતાના રોલ મોડલ માને છે. ત્યારે આપણે છેલ્લા 7 વર્ષથી કોંગ્રેસના મોંઢે અદાણી અંબાણીને ગાળો ભાંડતા સાંભળ્યું છે. 


હાર્દિક પટેલે આગળ જણાવ્યું હતું કે કોંગ્રેસની પ્રથમ અને બીજી હરોળ કાર્યક્રમોનો દુર ઉપયોગ કરે છે. મારા પિતાના મૃત્યું વખતે મને કોઇ સાંત્વના આપવા માટે આવ્યું ન હતું તે ગુજરાતના લોકોનું શું કામ કરશે. ગુજરાતના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ પર ભરોસો ન કરતા જો ભરોસો કરશો તો તૂટશે. નિતિન ગડકરી પણ કહેતા હતા કે વિપક્ષ હોવો જોઇએ પણ વિપક્ષ કોણ એ મોટો સવલા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતના વિપક્ષમાં પણ નહે હોય. કોંગ્રેસે ચિંતન કરવાની નહી પણ ચિંતા કરવાની જરૂર છે. 


અત્રે ઉલ્લેખનીય છે ગઇકાલે હાર્દિક પટેલે પત્ર ટ્વીટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સ્ફોટક ખુલાસા કરવામાં આવ્યા છે. આ પત્ર સોનિયા ગાંધીને ટાંકીને લખવામાં આવ્યો છે. આવો જાણીએ હાર્દિક પટેલે આ પત્રમાં શું લખ્યું છે.


હાર્દિક પટેલે પોતાના પત્રની શરૂઆતમાં લખ્યું કે 'આ 21મી સદી છે અને ભારત વિશ્વનો યુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે. છેલ્લા ત્રણ વર્ષોથી મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી ફક્ત વિરોધની રાજનિતી સુધી સિમિત રહી ગઇ છે. જોકે દેશના લોકોને વિરોધ નહી પરંતુ એક એવો વિકલ્પ જોઇએ છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઇ જવાની ક્ષમતા ધરાવતો હોય. 


આગળ તેમણે લખ્યું કે અયોધ્યામાં પ્રભુશ્રી રામનું મંદિર હોય, CAA-NRC નો મુદ્દો હોય, જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાની હોય અથવા જીએસટી લાગૂ કરવાના જેવા નિર્ણયો હોય, દેશ લાંબા સમયથી આ નિર્ણયોનું સમાધાન ઇચ્છતો હતો અને કોંગ્રેસ તેમાં વિધ્ન ઉભું કરવાનું કામ કરતી હતી. ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દા પર કોંગ્રેસનું સ્ટેન્ડ ફક્ત કેન્દ્ર સરકારનો વિરોધ કરવા સુધી સિમિત રહ્યું છે. કોંગ્રેસને લગભગ દેશના દરેક રાજ્યની જનતાએ રિજેક્ટ કરી છે કારણ કે કોંગ્રેસ પાર્ટી અને પાર્ટીનું નેતૃત્વ જનતા સમક્ષ એક બેસિક રોડમેપ સુધી પ્રસ્તુત કરી શકી નથી. 


કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વમાં કોઇપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાની ઉણપ એક મોટો મુદ્દો રહ્યો છે. હું જ્યારે પણ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વને મળ્યો તો મને લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યાઓ સાંભળવાના બદલે મોબાઇલ અને બાકીની વસ્તુઓ પર રહ્યું છે. જ્યારે પણ દેશ સંકટમાં હતો અથવા કોંગ્રેસને નેતૃત્વની સૌથી મોટી જરૂર હતી ત્યારે આપણા નેતાઓ વિદેશમાં હતા. ટોચના નેતૃત્વનું વર્તન ગુજરાત પ્રત્યે એવું છે, જાણે કે ગુજરાત અને ગુજરાતીઓથી નફરત હોય. એવામાં કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાતના લોકો તેમને વિકલ્પના રૂપે જુએ?


દુખ થાય છે કે જ્યારે અમારા જેવા કાર્યકર્તા પોતાના ખર્ચે ગાડી દ્રારા 500-600 કિલોમીટર દૂર યાત્રા કરે છે, જનતા વચ્ચે જાય છે અને જુએ છે કે ગુજરાતના મોટા નેતા તો જનતાના મુદ્દાથી દૂર ફક્ત એ વાત પર ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા તેમના નેતાઓને તેમનું ચિકન સેન્ડવીચ સમયસર મળ્યું છે કે નહી. જ્યારે પણ હું યુવાનોની વચ્ચે ગયો ત્યારે તેમણે કહ્યું કે તમે એવી પાર્ટીમાં કેમ છો, જે દરેક પ્રકારે ગુજરાતીઓનું અપમાન કરે છે. પછી ભલે તે ઉદ્યોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રે હોય કે પછી રાજકીય ક્ષેત્રે હોય. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ યુવાનોનો વિશ્વાસ તોડ્યો છે, જેના કારણે આજે કોઇપણ યુવાન કોંગ્રેસ સાથે જોવા મળતો નથી. 


મારે ખૂબ જ દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક જણ જાણે છે કે કઇ રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે અને પોતે મોટા આર્થિક લાભ લીધા છે. રાજકીય વિચારધારા અલગ હોઇ શકે છે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા વેચાઇ જવું ગુજરાતની જનતા સાથે દગો છે. 


રાજકારણ સક્રિય વ્યક્તિનો ધર્મ હોય છે કે તે જનતા માટે કામ કરતો રહે. પરંતુ અફસોસની વાત છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઇ સારું કરવા માંગતી નથી. એટલા માટે ગુજરાત માટે હું કંઇક કરવા માંગતો હતો ત્યારે પાર્ટી મારો તિરસ્કાર કર્યો. મેં ક્યારે વિચાર્યું ન હતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ આપણા પ્રદેશ, આપણા સમાજ અને ખાસકરીને યુવાનો માટે આ પ્રકારનો દ્રેષ મનમાં રાખે છે. 


આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપું છું. મને વિશ્વાસ છે કે મારા નિર્ણયનું સ્વાગત મારા મિત્રો અને ગુજરાતની જનતા કરશે. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણય બાદ ભવિષ્યમાં સકારાત્મક રીતે કાર્ય કરી શકીશ. જનતા દ્વારા મળેલા પ્રેમનું ઋણ ચૂકવવા માટે હું સદૈવ પ્રયત્ન કરતો રહીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube