હોડી નહીં..15 જિંદગી ડૂબી! કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ સહાયની કરી જાહેરાત, ગુજરાત દુ:ખમાં ડૂબ્યું!
કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની કરી જાહેરાત, પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
ઝી બ્યુરો/વડોદરા: શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.
મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય: PM
વડોદરાના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાથી જાનહાની થવાથી હું વ્યથિત છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRFમાંથી રૂપિયા 2 લાખની સહાય દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે ઘાયલોને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે.
CMએ ટ્વિટ કરી મૃતક અને ઇજાગ્રસ્તને સહાય જાહેર કરી
હરણી તળાવ દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય કરશે. મહત્વનું છે કે વડોદરાની ગોઝારી દુર્ધટનાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા નીકળ્યા છે.