Parag Desai Death Case: ઝી બ્યુરો/અમદાવાદ: ખરેખર અમદાવાદમાં રખડતા કૂતરા સફેદ હાથી પૂરવાર થાય તો નવાઈ નહીં. એમને પાળવા નહીં પણ એમની નસબંધી કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.  AMCએ બોપલથી ઘુમા સુધી લગભગ 200 રખડતા કૂતરાઓની ઓળખ કર્યા પછી આ પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 40 જેટલા કૂતરાઓને નસબંધી માટે પકડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC હવે કૂતરાઓની નસબંધીનું નેતૃત્વ કરશે
વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈ (50)ના બોપલ આવાસ નજીક રખડતા કૂતરાના હુમલા બાદ થયેલા મૃત્યુને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કૂતરાઓની વસ્તીને અંકુશમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે.  AMCનો ઢોર નિયંત્રણ અને ઉપદ્રવ વિભાગ (CCND) વિભાગ રખડતા કૂતરાઓની નસબંધી અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે, આ કાર્ય 25 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. 


ચાલુ વર્ષમાં 25,993 કૂતરાઓની નસબંધી
AMCએ આ નસબંધી અભિયાનમાં બિન-સરકારી સંસ્થાઓ (NGO) સાથે સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે રૂ. 8 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. નસબંધી ઝુંબેશની વિગતો જાણીએ તો વર્ષ 2020 થી 2023 દરમિયાન કુલ રૂ. 9.11 કરોડના ખર્ચે 98,333 કૂતરાઓની નસબંધી સાથે કરાઈ હતી. ચાલુ વર્ષમાં રૂ. 2.53 કરોડના ખર્ચે 10 મહિનાના સમયગાળામાં 25,993 કૂતરાઓની નસબંધી કરવામાં આવી હતી.


રખડતા કૂતરાઓની અંદાજિત વસ્તી 3.75 લાખ
હાલમાં, ચાર એનજીઓ આ નસબંધી મિશન માટે AMC સાથે ભાગીદારીમાં છે. AMC દરેક કૂતરાની નસબંધી માટે રૂ. 976.50 ચૂકવે છે. 2019-20 પછી AMCના અધિકારક્ષેત્રના વિસ્તરણ સાથે, રખડતા કૂતરાઓની અંદાજિત વસ્તી વધીને લગભગ 3.75 લાખ થઈ ગઈ છે, પરંતુ રેકોર્ડ દર્શાવે છે કે અત્યાર સુધીમાં માત્ર 1.5 લાખ કૂતરાઓની જ નસબંધી કરવામાં આવી છે.


આ પહેલમાં ચાર એનજીઓ સક્રિય
આ પહેલમાં સક્રિય રીતે સામેલ ચાર એનજીઓ પીપલ ફોર એનિમલ્સ, ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છે, જે દરેક શહેરના જુદા જુદા વિસ્તારો માટે જવાબદાર છે. જ્યારે પીપલ ફોર એનિમલ્સ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ક્ષેત્રમાં કામ કરે છે, ત્યારે ગોલ ફાઉન્ડેશન દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર ઉત્તર અને પૂર્વ ક્ષેત્રનું સંચાલન કરે છે, અને સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દક્ષિણ અને મધ્ય ક્ષેત્રને આવરી લે છે.