ઉદય રંજન, અમદાવાદઃ પૈસાની લાલચમાં ક્યારેક વ્યક્તિ ખોટા પગલાં ભરવા લાગે છે. વધારે પૈસાની લાલચમાં પરિવાર સામે ષડયંત્ર રચવાનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અહીંના આંબલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિના મોત બાદ મિલકત મેળવવા માટે તમામ હદ વટાવી દીધી. આ પુત્રવધુએ પિતા, ભાઈ તથા એક કૌભાંડી જમીન દલાલ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. જેની ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટના
અમદાવાદના આંબલી વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ સાથે પહેલાં રહેતી બીના પટેલે પતિ ચિંતનના મૃત્યુ બાદ તરકટ રચીને ન માત્ર પતિના ભાગની મિલકત, પરંતુ સસરાની માલિકીની મિલકતમાં પણ પોતે વારસદાર હોય તેવું દર્શાવીને કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર મામલે મૃતક ચિંતન પટેલના મોટાભાઈ અમરીશ પટેલે સરખેજ પોલીસ સ્ટેશનમાં બીના પટેલ, મિતેશ પટેલ, રમેશ પટેલ સહિત ઉમંગ પાલુદરિયા નામના તલાટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અમરીશ પટેલના નાના ભાઈ ચિંતન પટેલને બે વર્ષ પહેલા કોરોના કાળમાં હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા, જેના થોડા સમય બાદ થી જ તેની પત્ની બીના પટેલે પોતાના ભાઈ મિતેષ પટેલ અને હિંમત પટેલ સાથે મળીને પતિની મિલકત મેળવવા માટે અવારનવાર માંગ કરી અને અંતે મોટું કાવતરું રચી નાખ્યું હતું.


આ પણ વાંચોઃ હવે કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશે, હિંમતનગરમાં બોલ્યા કેજરીવાલ


સસરાએ આપ્યા હતા 30 કરોડ
મહત્વનું છે કે આરોપી બીના પટેલના સસરા જગદીશ પટેલે દીકરાના મોત બાદ દીકરાના ભાગની અંદાજે 30 કરોડ રૂપિયાની વેલ્યુ ધરાવતી સંપત્તિ પુત્રવધુ અને તેની દીકરીઓના નામે કરી નાખી હતી. જોકે તેમ છતાં પણ પુત્રવધુ બીના પટેલે જમીનનું કામ કરતા કુખ્યાત અને પોલીસ તથા રાજકારણીઓ અને મોટા માથા સાથે ધરોબો રાખનાર રમેશ મેશિયા સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલ મૃત્યુ પામ્યા હોય તેવું દર્શાવી પોતાના પતિ ચિંતન પટેલના મૃત્યુનું સર્ટિફિકેટ રજુ કરી અને જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરી ઓની વારસદાર તરીકે એન્ટ્રી કરાવી નાખી હતી. જોકે ફરિયાદી અમરીશ પટેલે ઓનલાઇન પિતાની માલિકીનો સાત બારનો ઉતારો ચેક કરતા તેમાં આ સમગ્ર બાબત ખુલતા તપાસ કરતા બીનાએ પોતાના મળતીયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃતિઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


મહત્વનું છે કે આ ઘટનામાં સરખેજ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપી ઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. જોકે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમરિશ પટેલે બે મહિના પહેલા કરેલી અરજીને ધ્યાને રાખીને બીના પટેલે પણ ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે હાલ તો સરખેજ પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવા તજવીજ તેજ કરી છે. હાલ તો આ મૃતક ચિંતનના પરિવારજનો પોલીસ પાસે ન્યાયની આશા રાખીને બેઠા છે. ત્યારે કેટલા સમયમાં યોગ્ય રીતે પોલીસ ન્યાય અપાવી શકે છે એ જોવાનું રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube