રવિ અગ્રવાલ, વડોદરાઃ મોરબીની દુર્ઘટના બાદ તંત્રની ઊંઘ ઉડી છે. વડોદરા શહેર અને જિલ્લામાં તંત્ર અચાનક હરકતમાં આવ્યું અને જર્જરિત પુલ બંધ કર્યા છે. જો કે હજુ પણ એવી જગ્યાઓ છે, ત્યાં તંત્ર હજુ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરનાં રેલવે સ્ટેશન પાસેનાં સ્કાયવોકનાં, રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ અને રસ્તાને જોડતા આ સ્કાયવોકને બંધ કરી દેવામાં આવ્યો છે. તેનું કારણ છે સ્કાયવોકની દુર્દશા. સ્કાયવોકમાં તળિયાના પતરા કાટને કારણે સડી ગયા છે. જેના કારણે પુલ પર ચાલવું જોખમી સાબિત થઈ શકે છે. ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. જો કે હવે જઈને મનપા કમિશનરને જ્ઞાન લાધ્યું કે સ્કાયવોકની ચકાસણી કરવી જોઈએ.  


મોરબીની દુર્ઘટના બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું અને કમિશનરે સ્કાયવોકની ચકાસણી કરવાનો આદેશ આપી દીધો. 


અહીં સવાલ એ ઉભો થાય છે જો સ્કાયવોકની ઉપયોગિતા નથી રહી તો પછી તેનો કાયમી ઉકેલ કેમ નથી લવાતો. પુલનો કાટમાળ રસ્તા પર પણ પડી શકે છે, જેનાથી વાહનચાલકો પર જીવનું જોખમ સર્જાય તેમ છે. પણ તંત્ર યોગ્ય સમયે જાગતું નથી. 


આ પણ વાંચોઃ રાજ્યવ્યાપી શોક વચ્ચે ભાજપ શાસિત વ્યારા પાલિકાના પ્રમુખે ઉજવ્યો જન્મદિવસ, જુઓ Video


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને હવે શહેરનાં તમામ બ્રિજની ચકાસણી કરવા એન્જિનીયરોને દોડાવ્યા છે. જે કવાયત વહીવટી પ્રક્રિયાનો ભાગ હોવી જોઈએ, અને સમયાંતરે થતી રહેવી જોઈએ, તે ત્યારે થાય છે, જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે છે. એટલે કે તંત્ર માટે સક્રિય થવાનો સમય દુર્ઘટના બાદનો છે. 


મોરબીનો ઝુલતો પુલત તૂટતા વડોદરા શહેરમાં તંત્રએ વિશ્વામિત્રી નદી પરનો ઝૂલતો પુલ પણ તોડી પાડ્યો છે. નદી કાંઠે રહેતા લોકોએ જ નદી પર આ લટકતો પુલ બનાવ્યો હતો અને છેલ્લા 40 વર્ષથી તેનો ઉપયોગ કરતા હતા, જેને જોતાં લોકોએ તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો...સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. જો કે નવાઈની વાત એ છે કે આ પુલ જોખમી છે, તે વાતની સમજ તંત્રને હવે થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube