પેપરલીક થતાં સરકારની આબરૂના ધજાગરા! સોશિયલ મીડિયામાં મિમ્સથી વણઝાર
‘સરકાર બન્યાને મહિનો નથી થયો અને પેપર ફોડો કૌભાંડ શરૂ થઈ ગયું. ગુજરાતની જનતાએ ચૂંટણી સમયે ભાજપને 182માંથી 156 સીટની પૂર્ણ બુમત લાવવા EVMના બટન ઘસાઈ જાય તેટલા વોટ આપ્યા અને આજે ફરીવાર પેપર ફૂટતા તેમના જ વિદ્યાર્થીઓના ભવિષ્ય ફૂટી રહ્યા છે તેનું જવાબદાર કોણ?
Gujarat Junior Clerk Paper Leak: આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયા છે. પરંતુ સોશિયલ મીડિયામાં પેપર લીક પર અવનવી ચટપટી અને પેટ પકડીને હસાવતા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે, જેમાં લોકો સરકારને સવાલો કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતે બની રહ્યું છે.
એક યુઝરે ટ્વિટ કરતા રમૂજ અંદાજમાં લખ્યું છે કે ‘સરકાર બન્યાને મહિનો નથી થયો અને પેપર ફોડો કૌભાંડ શરૂ થઈ ગયું. ગુજરાતની જનતાએ ચૂંટણી સમયે ભાજપને 182માંથી 156 સીટની પૂર્ણ બુમત લાવવા EVMના બટન ઘસાઈ જાય તેટલા વોટ આપ્યા અને આજે ફરીવાર પેપર ફૂટતા તેમના જ વિદ્યાર્થીઓના ભવિષ્ય ફૂટી રહ્યા છે તેનું જવાબદાર કોણ?
ભાજપની સરકારને પ્રચંડ જીત બાદ શપથ લીધે હજી મહિનાથી થોડોક વધારે સમય થયો હશે ત્યાં એક પરીક્ષા યોગ્ય રીતે લઈ શકી રહ્યા નથી અને બીજા રાજ્યની એજન્સી અને અમુક તત્વો ગુજરાતમાં આવીને પેપર ફોડીને જતા રહ્યા છે. વડોદરામાંથી આ મામલે કાર્યવાહી કરી 15 લોકોની અટકાયત કરાઈ છે જેમની પૂછપરછ ચાલી રહી છે, પરંતુ ગુજરાત ATS પેપર લીક માટે ગુજરાતની બહાર તેલંગાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્લી જવા માટે રવાના થઈ હોવાની વિગતો સામે આવી છે.
આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતાં રાજ્યભરના 9 લાખથી વધારે પરીક્ષાર્થીઓને નિરાશા સાથે ઘરે પાછા ફરવું પડ્યું છે. રાજ્યમાં ભાજપ સરકારે વિધાનસભાની ચૂંટણીમાં જનતાને રીઝવીને 156 બેઠકોની ભવ્ય જીત અપાવી છે, પરંતુ હવે તેના ફળ સ્વરૂપે બેરોજગારોને નોકરીના નામે ફક્ત નિસાસા જ મળી રહ્યા છે. જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા ફૂટી જતા ભાજપ સરકાર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ડબલ એન્જિનના ડબલા તંત્રની આ ઘોર બેદરકારીનો ભોગ બનેલા રાજ્યના પરીક્ષાર્થીઓના ભાવીનું શું થશે તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી છે, ત્યારે આજે ફરી પેપર ફૂટવાની ઘટના બનતા આગળ આ પ્રકારની ઘટના ન બને એ માટે કોઈ નક્કર પગલા લેવાશે કે કેમ એ મોટો સવાલ છે.