દંપતી વચ્ચે ખટરાગ બાદ નવા વર્ષે પિતા-પુત્રીનું થશે મિલન
શહેરના પારલે પોઈન્ટ ખાતે રહેતા રાહુલ (નામ બદલેલ છે) ના લગ્ન કતારગામ વિસ્તારમાં માં રહેતી સીમા (નામ બદલેલ છે) સાથે થયા હતાં. જેમાં તેમને હાલ ત્રણ વર્ષની પુત્રી છે. થોડો સમય સાથે રહ્યા બાદ દંપતી વચ્ચે ખટરાગ થયો હતો અને સીમા પીયર રહેવા આવી ગઈ હતી.
પ્રશાંત ઢીવરે, સુરત: માતા પાસે રહેતી ત્રણ વર્ષની બાળકીને પિતા નવા વર્ષના દિવસે મળી શકશે. બન્ને પક્ષના વકીલોના હકારાત્મક અભિગમ બાદ પિતા માટે બાળકીને કોર્ટની બહાર મળવાનો પ્રથમ વખત અવસર પ્રાપ્ત થયો છે.
કોર્ટ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના પારલે પોઈન્ટ ખાતે રહેતા રાહુલ (નામ બદલેલ છે) ના લગ્ન કતારગામ વિસ્તારમાં માં રહેતી સીમા (નામ બદલેલ છે) સાથે થયા હતાં. જેમાં તેમને હાલ ત્રણ વર્ષની પુત્રી છે. થોડો સમય સાથે રહ્યા બાદ દંપતી વચ્ચે ખટરાગ થયો હતો અને સીમા પીયર રહેવા આવી ગઈ હતી.
દરમિયાન હાલમાં દિવાળીનો તહેવાર હોય પતિએ પુત્રીનો વચગાળાનો કબ્જો મેળવવા એડવોકેટ હિરલ પાનવાલા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પત્ની તરફે એડવોકેટ અશ્વિન જોગડિયા તથા પતિના એડવોકેટ પાનવાળાએ કોર્ટની દરમિયાનગીરીથી બન્ને વચ્ચે મધ્યસ્થી કરી હતી, અને તેમાં સફળતા પણ મળી હતી. કોર્ટ સહિત બન્ને પક્ષના વકીલોની મધ્યસ્થી બાદ આગામી તારીખ ૨૬ ઓક્ટોબરના રોજ નવા વર્ષના દિવસે કતારગામ સ્થિત ધોળકિયા ગાર્ડનમાં પિતા બાળકીને મળી શકશે અને તેના પર કોર્ટે પણ મંજૂરીની મહોર મારી હતી. આ સાથે પત્ની પિયર ગયાના ત્રણ વર્ષ બાદ પહેલી વખત કોર્ટની બહાર બાળકીને મળવાનો અવસર પિતાને મળ્યો છે.